![]()
– સ્વચ્છતાને લઇ મનપાની ઝુંબેશ યથાવત્ રહેશે
– સ્વચ્છતાનો અભાવ, ખુલ્લામાં ખાદ્ય પદાર્થો બનાવવા, રસ્તા પર ટ્રાફિકમાં અડચણ સહિતને લઇ મનપાની કાર્યવાહી
આણંદ : આણંદના જુના બસ સ્ટેન્ડ પાસે આવેલી ગુજરાતી ચોકની નોનવેજની ૮ દુકાનો મનપાની ટીમે સીલ કરી હતી. સ્વચ્છતાના માપદંડો નહીં જળવાતા અને ક્ષતિઓ જણાતા મનપાએ કાર્યવાહી હાથ ધરી છે.
કરમસદ- આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આણંદના ગુજરાતી ચોકમાં આવેલી વિવિધ નોનવેજની ૮ દુકાનોમાં તપાસ કરી હતી. જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ અને ગંદકી જોવા મળી હતી. ઉપરાંત ખુલ્લામાં ખાદ્ય પર્દાથો બનાવવા અને વેચવા, તેમજ રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ થવા સહિતને લઇ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બોમ્બે એ-વન ભઠીયારા, અલનૂર બિરયાની સેન્ટર, બોમ્બે રેસ્ટોરન્ટ, ન્યુ બોમ્બે બિરયાની, બિસ્મિલ્લાહ તવા ફ્રાય, ઇન્ડિયા ફ્રાય સેન્ટર, નૂર કોર્નર અને લજ્જત કેટરર્સને ફૂડ કાયદાને આધીન સીલ કરવામાં આવી હતી.
મનપાની ટીમે ગુજરાતી ચોક વિસ્તારમાં તપાસ કરીનેે દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરતા સ્થાનિક લોકોના ટોળે ઉમટયા હતા અને કેટલીક દુકાનોના શટર પડી ગયા હતા. જોકે, મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતાની ચકાસણીની ઝુંબેશ હજુ પણ યથાવત્ રાખવામાં આવશે.










