– વરોધ થતાં પીજીવીસીએલની ટીમને કામગીરી અધુરી મુકી પરત ફરી
– પુરૂષ ઘરે ન હોય ત્યારે મહિલાઓને ડરાવી વીજ તંત્રના કર્માચરીઓ સ્માર્ટ વીજ મીટર નાખતા હોવાનો આક્ષેપ ઃ રાજકીય આગેવાન કે અધિકારીઓના ઘરે સ્માર્ટ વીજ મીટર મુકવાને બદલે ગરીબોના ઘરમાં કામગીરી કરાતા આક્રોશ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર શહેરના ફિરદોષ સોસાયટી પાસે આવેલા મફતીયાપરા વિસ્તારમાં પીજીવીસીએલ તંત્ર દ્વારા સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી શરૂ થતાં જ સ્થાનિક મહિલાઓ અને રહિશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ગરીબોના ઘરમાં જ સ્માર્ટ મીટર નાંખવાતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. સ્થાનિકોએ ડે. એન્જીનીયરને સ્થળ પર બોલાવી વિરોધ કર્યો કરતા પીજીવીસીએલની ટીમને કામગીરી અધુરી મુકી પરત ફર્યા હતા.
સરેન્દ્રનગર શહેરમાં વિરોધ વચ્ચે પીજીવીસીએલની ટીમ દ્વારા ફિરદોષ સોસાયટી પાસે આવેલ મફતીયાપરા વિસ્તારમાં સ્માર્ટ વીજ મીટર નાખવાના ામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનીક મહિલાઓ અને રહિશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે મહિલાઓને ફોસલાવી અને ડરાવી તેમજ પુરૂષો ઘરે ન હોય ત્યારે સ્માર્ટ મીટર પરાણે નાંખવામાં આવે છે.
લોકોના વિરોધ છતાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી શરૂ રાખવામાં આવતા સ્થાનીક રહિશો તેમજ જાગૃત નાગરિકો અને પીજીવીસીએલના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને રકઝક પણ થઈ હતી. જેને પગલે સ્થળ પર પીજીવીસીએલના ડેપ્યુટી એન્જીનીયરને બોલાવવામાં આવ્યા હતા અને સ્માર્ટ મીટર અંગે વિરોધ તેમજ રજુઆત કરી હતી.
રોષે ભરાયેલા લોકોમાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ યથાવત જોવા મળ્યો હતો અને ડેપ્યુટી એન્જીનીયર સહિત પીજીવીસીએલની સમગ્ર ટીમને વિરોધને પગલે સ્માર્ટ મીટર નાંખવાની કામગીરી અધુરી મુકી પરત ફરવાનો વારો આવ્યો હતો. જ્યારે બીજી બાજુ સ્થાનીક જાગૃત નાગરીક કમલેશ કોટેચા, દિપક ચીહલા સહિતનાઓ દ્વારા પીજીવીસીએલ તંત્ર દ્વારા ગરીબ પરિવારોના વિસ્તારને આઈડેન્ટીફાઈ કરી આવા વિસ્તારમાં જ સ્માર્ટ મીટર લગાડતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે લાગતા વળગતા અને રાજકીય આગેવાનોના ઘરે સ્માર્ટ મીટર ન લગાડતા હોવાનું જણાવી પીજીવીસીએલની કામગીરી સામે રોષ દાખવ્યો હતો.