Tax Savings Options: ટેક્સ સેવિંગ્સ માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે નાણાકીય વર્ષ 2024-25 માટે ટેક્સમાં બચત કરવા માગો છો, તો તેના માટે તમારે 21 માર્ચ પહેલાં અમુક કામ કરવા પડશે. 31 માર્ચ, 2025 સુધી અમુક રોકાણો મારફત ટેક્સમાં મોટી બચત કરી શકો છો. જો કે, ટેક્સમાં બચતનો લાભ માત્ર જૂની ટેક્સ રીજિમમાં જ મળવાપાત્ર છે.
કલમ 80 (સી) હેઠળ ટેક્સમાં બચત
આવકવેરા અધિનિયમ 1961ની કલમ 80 (સી) હેઠળ અમુક રોકાણ વિકલ્પોમાં રોકાણ કરી ડિડક્શન ક્લેમ કરી શકે છે. જેમાં ઈએલએસએસ, સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ, લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી, બેન્કોની ટેક્સ સેવિંગ્સ એફડી સ્કીમ સામેલ છે. તદુપરાંત બાળકોની ટ્યૂશન ફી પર પણ ડિડક્શન ક્લેમ કરી શકો છો. આ રોકાણ વિકલ્પમાં રોકાણ કરવા પર મહત્તમ દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન ક્લેમ કરી શકો છો.
31 માર્ચ સુધી આ રોકાણ કરવા જરૂરી
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, જો તમે અત્યારસુધી ટેક્સ-સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ નથી કર્યું તો તમારે આ કામ 31 માર્ચ, 2025 સુધી કરી લેવુ જોઈએ. માત્ર ટેક્સમાં બચતના ભાગરૂપે રોકાણ કરવુ નહીં, રોકાણ એવા વિકલ્પોમાં કરવું જેનાથી તમારા ભાવિ નાણાકીય લક્ષ્યો પૂરા થઈ શકે. મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ સેવિંગ્સ સ્કીમ (ELSS)માં પણ તમે રોકાણ કરી 1.5 લાખ સુધીના ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો.
એનપીએસમાં રોકાણ
જો તમે ખાનગી સેક્ટરમાં નોકરી કરો છો તો તમારી બેઝિક સેલેરીના 10 ટકા એનપીએસમાં રોકાણ કરી શકો છો. જેમાં કલમ 80 સીસીડી (1) હેઠળ ટેક્સ છૂટ મળે છે. તેની મર્યાદા કલમ 80 (સી) જેટલી રૂ.1.5 લાખ જ હોય છે. તદુપરાંત કલમ 80 સીસીડી (1બી) હેઠળ એનપીએસમાં વધારાના રૂ. 50000ના રોકાણ પર પણ ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો.
કલમ 80 (ડી) હેઠળ છૂટ
જો તમે હેલ્થ પોલિસી ખરીદી નથી તો 31 માર્ચ પહેલાં હેલ્થ પોલિસી ખરીદી શકો છો. તેના પ્રીમિયમ પર તમને ટેક્સ છૂટ મળી શકે છે. જેનાથી ટેક્સની જવાબદારી પણ ઘટશે. આવકવેરા અધિનિયમની કલમ 80 (ડી) હેઠળ કોઈપણ વ્યક્તિ પોતે અને પોતાના પરિવાર (પત્ની-બે બાળકો) માટે હેલ્થ પોલિસી ખરીદી તેના પ્રીમિયમ પર ટેક્સ છૂટનો દાવો કરી શકે છે. જો તમારી વય 60 વર્ષથી ઓછી છે, તો પ્રીમિયમ પર રૂ. 25,000 અને 60 વર્ષથી વધુ હોય તો પ્રીમિયમ પર રૂ. 50,000 સુધીની છૂટ મળી શકે છે.વધુમાં માતા-પિતા માટે હેલ્થ પોલિસી ખરીદી તેમના પ્રીમિયમ પર પણ રૂ. 50,000 સુધીની ટેક્સ છૂટનો લાભ મેળવી શકો છો. જો કે,માતા-પિતાની ઉંમર 60 વર્ષથી વધુ હોવી જરૂરી છે.