Jamnagar : જામનગર શહેરના સત્યમ કોલોની રોડ પર ફૂટપાથ પર દબાણકારોના અડિંગાથી રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના સૌથી વધુ ભીડભાડવાળા આ રસ્તા પર અનેક પ્રકારના ગેરકાયદેસર દબાણો ખડકાઈ ગયા હોવાથી લોકોને ચાલવા માટે પણ જગ્યા મળતી નથી. આ સમસ્યા છેલ્લા ઘણા સમયથી યથાવત છે, પરંતુ જામનગર મહાનગરપાલિકાનું એસ્ટેટ વિભાગ જાણે કે આંખ આડા કાન કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
સત્યમ કોલોની રોડ પર ઠેર-ઠેર બે મતલબના અને લાંબા સમયથી પાર્ક કરેલા ભંગાર વાહનો અડચણરૂપ બની ગયા છે. આ ઉપરાંત, વેચાણ કરતા પથારાવાળાઓ અને રેકડીઓએ પણ ફૂટપાથ પર કબજો જમાવી લીધો છે, જેના કારણે રાહદારીઓ માટે ચાલવું મુશ્કેલ બન્યું છે. એટલું જ નહીં, મહાનગરપાલિકાના કચરાના ડબ્બાઓ પણ ફૂટપાથ પર જ મૂકવામાં આવ્યા હોવાથી અનેક જગ્યાએ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે રાહદારીઓ માટે દુર્ગંધ અને રોગચાળાનું કારણ બની શકે છે.
આ તમામ દબાણોના કારણે ખાસ કરીને વડીલો, મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ફૂટપાથ પર ચાલવાની જગ્યા ન હોવાથી લોકોને જોખમી રીતે રોડ પર ચાલવાની ફરજ પડી રહી છે, જેના કારણે અકસ્માત થવાની સંભાવના પણ વધી ગઈ છે. સ્થાનિક લોકો અને રાહદારીઓએ અનેક વખત આ અંગે રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.