![]()
India-China Controversy : ભારતે ચીનની યાત્રા કરતા અથવા ચીની એરપોર્ટ્સ પરથી ટ્રાન્ઝિટ કરનારા નાગરિકો માટે એક મોટી ચેતવણી જારી કરી છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ચીની એરપોર્ટ્સ પર ટ્રાન્ઝિટ કરનારા ભારતીયો સાથે અયોગ્ય અને ભેદભાવપૂર્ણ વર્તન ન થવું જોઈએ. મંત્રાલયે તાજેતરની એક ઘટનાને ટાંકીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને ભારતીય નાગરિકોને ચીનની મુલાકાત લેતા પહેલા સંપૂર્ણ સતર્કતા રાખવાની સલાહ આપી છે.
ચીને ભારતીય પ્રવાસીઓને નિશાન ન બનાવે : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે (Randhir Jaiswal) જણાવ્યું કે, ભારત અપેક્ષા રાખે છે કે ચીન ભારતીય પ્રવાસીઓને નિશાન બનાવશે નહીં કે મનસ્વી રીતે અટકાયતમાં લેશે નહીં. તેમણે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના નિયમોનું સન્માન કરવાની અને ભારતીયોને કારણ વગર પરેશાન ન કરવાની અપીલ કરી છે. પ્રવક્તાએ કહ્યું કે તાજેતરની ફરિયાદો બાદ સરકાર ભારતીય નાગરિકોને ચીન જતી વખતે અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ કરતી વખતે ખાસ સાવધાની રાખવાની સલાહ આપે છે.
આ પણ વાંચો : ‘જો કોઈ ભૂલ કરશે તો…’ ઈન્ડિગોએ સંકટ ઉભું કર્યા બાદ કેન્દ્ર સરકારની તમામ એરલાઈન્સને ચેતવણી
ઈમિગ્રેશન અધિકારીએ અરૂણાચલની મહિલાને પરેશાન કરી હતી
ઉલ્લેખનીય છે કે, 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહેલી અરુણાચલ પ્રદેશની ભારતીય નાગરિક પેમા વાંગજોમ થોંગડોકે શાંઘાઈના પુડોંગ ઍરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવી હોવાનો ગંભીર દાવો કર્યો છે. તેમને 18 કલાકથી વધુ સમય સુધી રોકી રાખવામાં આવ્યા હતા અને તેમનો ભારતીય પાસપોર્ટ અમાન્ય જાહેર કરાયો હતો. થોંગડોકે કહ્યું કે, ‘હું છેલ્લા લગભગ 14 વર્ષથી યુકેમાં રહું છું અને લંડનથી શાંઘાઈ થઈને જાપાન જઈ રહી હતી. શાંઘાઈમાં ટ્રાન્ઝિટ દરમિયાન ચીની ઇમિગ્રેશનના એક અધિકારીએ મને લાઇનમાં અલગ ઊભી રાખી હતી. મેં તેમને કારણ પૂછ્યું તો તેમણે કહ્યું, ‘અરુણાચલ- ભારતનું નહીં, ચીનનું, તમારો વિઝા સ્વીકાર્ય નથી, તમારો પાસપોર્ટ અમાન્ય છે.’ આ દરમિયાન અધિકારીએ મારી મજાક ઉડાવીને કહ્યું કે, ‘તમારે ચીની પાસપોર્ટ માટે અરજી કરવી જોઈએ, તમે ચીની છો, ભારતીય નથી.’ થોંગડોકે આ વર્તનને અપમાનજનક ગણાવ્યું હતું. જોકે, તેમણે શાંઘાઈ અને બેઇજિંગમાં ભારતીય દૂતાવાસોનો સંપર્ક કર્યો હતો, પછી લગભગ એક કલાકમાં જ ભારતીય અધિકારીઓ ઍરપોર્ટ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ તેમને ભોજન પૂરું પાડ્યું અને ચીની સત્તાવાળાઓ સાથે વાતચીત કરીને તેમને દેશની બહાર નીકળવામાં મદદ કરી હતી.
આ પણ વાંચો : શેર માર્કેટમાં ઈન્ડિગોનું ‘ક્રેશ લેન્ડિંગ’ ! ધડાક લેતા શેર તૂટ્યો










