![]()
અમદાવાદ : સમગ્ર દુનિયા ઝડપથી આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સ (એઆઈ) તરફ આગળ વધી રહી છે પરંતુ આ ગતિ તેની સાથે એક મહત્વપૂર્ણ પડકાર પણ લાવે છે. એક અંદાજ મુજબ એઆઈ બૂમ સ્માર્ટફોન, લેપટોપ અને કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સના ભાવમાં વધારો કરી શકે છે. નિષ્ણાતોના મતે એનવિડીયાના તાજેતરના વ્યૂહાત્મક પરિવર્તન અને એઆઈ ડેટા સેન્ટર્સની બમ્પર માંગ સપ્લાય ચેઇનને નોંધપાત્ર ફટકો પહોંચાડી રહી છે.
વિશ્વભરમાં ટેક કંપનીઓ એઆઈ ડેટા સેન્ટરોમાં અબજો ડોલરનું રોકાણ કરી રહી છે. આ સેન્ટરોને એનવિડીયા જેવી કંપનીઓ પાસેથી ઉચ્ચ-સ્તરીય જીપીયુ ચિપ્સની જરૂર પડે છે, જે પોતે અસંખ્ય અન્ય ઘટકો પર આધાર રાખે છે. એઆઈ માંગમાં ઝડપી વધારો હાર્ડ ડિસ્ક ડ્રાઇવથી લઈને ડીરેમ મેમરી સુધીના ઘણા કોમ્પોનેન્ટ્સની ગંભીર અછત સર્જાઈ રહ્યું છે. અલીબાબાએ મેમરી ચિપ્સ અને સ્ટોરેજ ડિવાઇસની ગંભીર અછતની ચેતવણી પણ આપી દીધી છે અને હાલની કેપેસિટીએ આગામી ૨-૩ વર્ષ સુધી જ સપ્લાય ટકી શકે છે.
આ સિવાય એનવિડીયા હવે તેના એઆઈ ચિપ્સમાં લો-પાવર ડબલ ડેટા રેટ મેમરીનો ઉપયોગ વધારી રહી છે, જેનો ઉપયોગ સેમસંગ અને એપલ જેવા સ્માર્ટફોનમાં પણ થાય છે. અત્યાર સુધી, આ મેમરીની માંગ ફક્ત કન્ઝયુમર ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાંથી જ આવતી હતી પરંતુ એનવિડીયાનું આગમન પરિસ્થિતિ બદલી શકે છે.
ડીરેમ અને હાઇ-બેન્ડવિડ્થ મેમરી ચિપ્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. એક સર્વે અનુસાર, ૨૦૨૫ના ચોથા ક્વાર્ટરમાં મેમરીના ભાવ ૩૦ ટકા અને ૨૦૨૬ની શરૂઆતમાં ૨૦ ટકા વધી શકે છે. સ્માર્ટફોન અને લેપટોપના કુલ ઉત્પાદન ખર્ચમાં મેમરી ચિપ્સનો હિસ્સો ૧૦થી ૨૫ ટકા આસપાસ છે. જો તેમની કિંમત ૩૦ ટકા વધશે તો અંતે ડિવાઈઝની કુલ કિંમત પણ ૫થી ૧૦ ટકા વધારી શકે છે.
આ સિવાય ડેટા સેન્ટરોમાં એચડીડીની તીવ્ર અછતને કારણે કંપનીઓ એસએસડી તરફ વળી રહી છે. એસએસડી સ્માર્ટફોન અને લેપટોપનો એક મહત્વપૂર્ણ ઘટક છે. આનાથી કન્ઝયુમર સેગમેન્ટમાં અછત અને ઊંચા ભાવ બંને થઈ શકે છે.
ઓટો અને ડિફેન્સ સેક્ટર પણ આ કટોકટીથી અસ્પૃશ્ય નથી રહી શકવાના. હકીકતમાં એઆઈ ચિપ્સનું ઉત્પાદન કરતી ફેક્ટરીઓ જ ઓટો, ઈન્ડસ્ટ્રીયલ અને ડિફેન્સ ક્ષેત્રો માટે પણ ચિપ્સનું ઉત્પાદન કરે છે. હવે, ઉત્પાદન એઆઈ તરફ આગળ વધી રહ્યું છે, આ ક્ષેત્રોમાં પણ કોમ્પોનેન્ટસની ભારે અછત જોવા મળી શકે છે.










