![]()
Amreli Crime News: અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ત્રાટકી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામે SMCએ બાતમીના આધારે દરોડો પાડીને લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
ખુલ્લા ખેતરમાંથી મળ્યો દારૂનો જંગી જથ્થો
પ્રાપ્ત વિગતો અનુસાર, SMCની ટીમને બાતમી મળી હતી કે ગળકોટડી ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનું ઉતરાણ કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે SMCએ ઓચિંતો દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને અલગ-અલગ બ્રાન્ડની કુલ 17,260 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
કુલ 95.29 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCની ટીમે સ્થળ પરથી દારૂના જંગી જથ્થાની સાથે સાથે 2 વાહનો અને 7 મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. દારૂ, વાહનો અને મોબાઈલ સહિત કુલ 95 લાખ 29 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
5 ઝડપાયા, 5 ફરાર
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. જોકે, દારૂના આ કારોબાર સાથે સંકળાયેલા વાહન માલિક અને ડ્રાઈવર સહિત અન્ય 5 આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, ફરાર 5 શખ્સોને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
અમરેલી જિલ્લામાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ SMCએ આ મોટું ઓપરેશન પાર પાડીને બુટલેગરોના મનસુબા પર પાણી ફેરવી દીધું છે.










