મોરબી પાસેના નવલખી ખાતેથી 4.56 લાખ ટન કોલસાનું લોડિંગ થયું : રામેશ્વરમ્, અયોધ્યા, વારાણસી, હરિદ્વાર સુધીની ટ્રેનો વધારવાની જરૂર
રાજકોટ, : તમિલનાડુમાં મંડલમ્થી રામેશ્વર વચ્ચેના દરિયા ઉપર 2.11 કિ.મી.લંબાઈનો દેશના સૌ પ્રથમ વર્ટીકલ લીફ્ટ બ્રિજ પર રેલ વ્યવહાર શરૂ થઈ જતા ભારતના પશ્ચિમ છેડે આવેલા ઓખાથી ઉપડતી ટ્રેન હવે મંડપમને બદલે સીધી રામસેતુ અને જ્યોતિર્લિંગ આવેલ છે તે રામેશ્વરમ્ સુધી જશે.રેલવે સૂત્રો અનુસાર દ્વારકા નજીક ઓખાથી આ ટ્રેન દર મંગળવારે સવારે 8-40 વાગ્યે ઉપડશે અને ગુરૂવારે સાંજે 7-10 વાગ્યે એટલે કે આશરે 61 કલાક (અઢી દિવસ)નું અંતર કાપીને પહોંચશે.
પહેલા આ ટ્રેન મંડપમ્ સુધી જતી અને ટેક્સી વગેરે વાહનોમાં ભાવિકોએ રામેશ્વર પહોંચવું પડતું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આ ટ્રેન વ્યવહાર માટે પમ્બન બ્રિજ ખુલ્લો મુકાતા હવે ત્યાં ટ્રેન વ્યવહાર 3 વર્ષ પછી શરૂ કરાયો છે. જો કે સૌરાષ્ટ્રમાં જેની માંગ છે તેવી આ ટ્રેન ઉપરાંત અયોધ્યા, વારાણસી, હરિદ્વાર, નાથદ્વારા સહિત ધર્મસ્થાનોએ જવા માટે ભારે ધસારો રહેતો હોય છે જેના પગલે સપ્તાહે એક વારને બદલે વધુ ટ્રેનની પૂરતી સુવિધા આપે તેવી લોકમાંગણી રહી છે.
દરમિયાન, રેલવે સૂત્રો અનુસાર મોરબી પાસેના નવલખી બંદર ખાતે માલનું પરિવહન વધી રહ્યું છે ત્યારે ત્યાં ગૂડ્ઝ શેડને વિકસાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. અહીં કોલસો સતત ઉડતો હોવાથીકામગીરીમાં મૂશ્કેલી ઉભી થાય છે. રેલવે ટ્રેક ઉપર પણ કોલસો જામી જતો હોય છે જે દૂર કરવો પડે છે. ગત એક વર્ષમાં આ સ્થળેથી ૧૧૩ માલગાડીના ચલાવાઈ હતી જેમાં 4.56 લાખ ટન કોલસાનું લોડિંંગ થતા રેલવેને રૂ.. 51.20 કરોડની નોંધપાત્ર આવક થઈ હતી. નવલખી એ બંદર તરીકે પણ વિકસી શકે તેમ છે.