![]()
મુંબઈ : વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત આઉટફલોસને કારણે વૈશ્વિક બજારોની સરખામણીએ દેશની ઈક્વિટી બજારની કામગીરી નબળી રહેતા વર્તમાન વર્ષમાં વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટી ૨૯ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. જો કે માર્કેટ કેપની દ્રષ્ટિએ પ્રથમ પાંચ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.
ગયા વર્ષના જુલાઈમાં વૈશ્વિક માર્કટ કેપમાં ભારતનો હિસ્સો જે ૪.૬૪ ટકા સાથે ઓલટાઈમ હાઈ રહ્યો હતો તે હાલમાં ઘટી ૩.૪૭ ટકા સાથે જુલાઈ, ૨૦૨૩ની નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત વેચવાલીને કારણે દેશની માર્કેટ કેપ ઘટી રહી હોવાનું એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના ૧૭ સપ્ટેમ્બરના અંતે બીએસઈમાં લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ રૂપિયા ૪૬૬.૧૮ લાખ કરોડ (અંદાજે ૫.૧૯ ટ્રિલિયન ડોલર) રહી હતી. સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતે જોવા મળેલી ૫.૬૬ ટ્રિલિયન ડોલરની સરખામણીએ વર્તમાન માર્કેટ કેપ ૯ ટકા જેટલી ઓછી છે.
વર્તમાન વર્ષના પ્રારંભમાં ભારતની માર્કેટ કેપ રૂપિયા ૪૪૪.૪૩ લાખ કરોડ રહી હતી.
૧૭ સપ્ટેમ્બરના અંતે વૈશ્વિક માર્કેટ કેપ ૧૪૭.૫૮ ટ્રિલિયન ડોલર રહી હતી. જેમાં ૪૮ ટકા સાથે સૌથી વધુ હિસ્સો અમેરિકાનો છે અને ૮ ટકાથી વધુ સાથે ચીન બીજા ક્રમે છે. જો કે ભારતનો પ્રથમ પાંચમાં સમાવેશ થાય છે. ત્રીજા તથા ચોથા ક્રમે જાપાન અને હોંગકોંગનું સ્થાન રહ્યું છે, એમ એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.
ફેબુ્રઆરીના પ્રારંભમાં ૫૦.૮૦ ટકા સાથે અમેરિકાનો હિસ્સો જે ઓલ ટાઈમ હાઈ હતો તેમાં ઘટાડો થયો છે.
ઊંચા મૂલ્યાંકન, કંપનીઓના નબળા અર્નિંગ્સ, રૂપિયામાં નબળાઈ તથા વૈશ્વિક પડકારો વચ્ચે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં રૂપિયા ૨.૫૬ લાખ કરોડથી વધુની ઈક્વિટીસનું ભારતીય બજારમાં વેચાણ કર્યું છે. ડોલર સામે રૂપિયાના સતત ઘસારાને કારણે પણ વિદેશી રોકાણકારોનું માનસ ખરડાયેલું છે.










