અમદાવાદ, શુક્રવાર
શાહપુરમાં નશાખોર યુવકે મહિલાની જાહેરમાં છેડતી કરી હતી આ સમયે ફોઇ સાસુએ રોકતા તેમને લાફા અને લાતો મારીને નીચે પાડી દીધા હતા. એટલું જ નહી કોઇને વાત કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતો રહ્યો હતો. આ બનાવ અંગે શાહપુર પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિકરાના લગ્ન હોવાથી મહિલા અને ફોઇ સાસુ જતા હતા રાતે છેડતી કરીને કોઇને વાત કરીશ તો મારી નાંખવાની ધમકી આપેલી
શાહપુરવિસ્તારમાં રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના દિકરાના લગ્ન તાજેતરમાં હોવાથી મહિલા અને તેના ફોઇ સાસુ લગ્નની તૈયારી કરવા તેમના ઘરે જતા હતા ત્યારે તા. ૯ના રોજ રાતે આરોપીઓ પીછો કરીને ગલીમાં મહિલાનો હાથ પકડીને શારિરીક અડપલાં કરીને છેડતી કરી હતી.
આ સમયે ફોઇ સાસું વચ્ચે પડતા તેમને લાફા અને લાતો મારીને નીચે પાડીને માર માર્યો હતો અને આ વાત કોઇને કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મહિલાએ આક્ષેપો કર્યા છે કે યુવક નશો કરવાની ટેવ ધરાવતો હોવાથી નશો કરીને મહિલાઓ સામે ગંદી નજરે જોઇને હેરાન પરેશાન કરતો હોવાથી તેના પિતાએ મકાન ખાલી કરાવતાં તે બીજે રહેવા ગયો હતો અને કેટલીક વખત ત્યાં આવીને આવી રીતે મહિલાએ સાથે અણછાજતું વર્તન કરતો હતો. આ ઘટના અંગે શાહપુર પોલીસે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.