વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે શહેરના ઉત્તર ઝોનમાં ભૂખી કાંસને ડાઇવર્ટ કરવા પ્રોજેકટ હાથ ધરતા વિવાદ ઊભો થતા આ સંદર્ભે આજરોજ એક બેઠક રાી હતી, જેમાં કોઇ નિર્ણય થઇ શક્યો ન હતો.
ભૂખી કાંસ ડાઇવર્ટ કરતા છાણી અને નિઝામપુરામાં પૂરનો ભય વધશે
વોર્ડ નં.૧ના કોંગ્રેસના વિપક્ષના પૂર્વ નેતાએ મેયરને પત્ર લખી કહ્યું છે કે, ભૂખી નદીના પાણીને ડાયવર્ટ કરવાથી જ્યાં પૂર સંબંધિત સમસ્યા નથી તેવા છાણી અને નિઝામપુરા વિસ્તારોમાં પૂર આવશે અને રહેવાસીઓની મુશ્કેલીમાં વધારો થશે. ડીઆઇએલઆર રેકોર્ડ મુજબ ભૂખીનું સીમાંકન કરવા અને ભૂખી નદી પરના તમામ અતિક્રમણો દૂર કરવાની માંગ કરતા જણાવ્યું હતું કે વડોદરામાં બે વખત પૂર આવ્યું, ત્યારે છાણી જકાતનાકાથી નિઝામપુરા સ્મશાન સુધીના વિસ્તાોમાં જ્યાં ભૂખી નદીનું પાણી વાળવાનો પ્રસ્તાવ છે, ત્યાં એક ટીપું પણ પાણી નહોતું. નદીને તેના ઢાળની વિરૃધ્ધ આ વિસ્તારમાં વાળી ન શકાય. ટ્રાન્સપોર્ટ હબ સહિતના સ્થળોએ બોટલ નેક છે જેનો ઉકેલ લાવી શકાય તેમ છે. આ કામગીરી બે ત્રણ કરોડમાં પૂર્ણ કરી શકાય તેવું છે. એનજીટીના આદેશ મુજબ તમામ દબાણ અને કાટમાળ હજી હટાવ્યા નથી. આ મુદ્દે જન આંદોલન શરૃ કરવા અને કાનૂની પગલાં લેવા પણ ચીમકી ઉચ્ચારી હતી.