![]()
મુંબઈ : વર્તમાન વર્ષમાં ભારતીય ઈક્વિટીસમાં ભારે વોલેટિલિટી જોવા મળી હોવા છતાં, રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથેની કંપનીઓની સંખ્યા જે ગયા વર્ષમાં ૯૭ હતી તે વર્તમાન વર્ષમાં વધી ૧૧૦ની નજીક પહોંચી ગઈ છે.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની એકંદર માર્કેટ કેપની ૬૨ ટકા માર્કેટ કેપ આ ૧૧૦ કંપનીઓ ધરાવતી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથેની ૯૭ કંપનીઓની એકંદર માર્કેટ કેપ કુલ માર્કેટ કેપના ૬૦ ટકા જેટલી જોવા મળી હતી.
માર્કેટ કેપમાં વધારો બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓમાંથી લાર્જ કેપમાં રોકાણકારોનો રસ વધી રહ્યો હોવાનું સૂચવે છે.
બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓમાં અંદાજે રૂપિયા ૨૦.૯૦ લાખ કરોડની માર્કેટ કેપ સાથે રિલાયન્સ ઈન્ડે. તેનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. એચડીએફસી બેન્કની માર્કેટ કેપ રૂપિયા ૧૫ લાખ કરોડથી વધુને પાર કરી ગઈ છે.
સમાપ્ત થઈ રહેલા ૨૦૨૫ના વર્ષમાં લાર્જ કેપ તથા મેગા-કેપ સાથેના સ્ટોકસની કામગીરીની સરખામણીએ મિડ-કેપ તથા સ્મોલ-કેપની કામગીરી નબળી રહી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું.
સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ મારફતના નાણાં સ્મોલ તથા મિડકેપ સ્ટોકસમાં વળી રહ્યા છે છતાં, બજારમાં લાર્જ-કેપનો દેખાવ એકંદરે સારો જોવા મળી રહ્યો છે.
૨૦૨૫માં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટીએ નવી ઊંચી સપાટી દર્શાવી હતી. ૧૧૦ કંપનીઓમાંથી વીસ કંપનીઓ એવી છે જેણે પહેલી જ વખત રૂપિયા એક લાખ કરોડની માર્કેટ કેપ પાર કરી છે, એમ રિપોર્ટમાં વધુમા ંજણાવાયું હતું.
રૂપિયા એક લાખ કરોડથી વધુની માર્કેટ કેપ સાથેની કંપનીઓમાં એચપીસીએલ, વોડાફોન, ભેલ, મઝગાંવ ડોક વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૨૪માં રૂપિયા એક લાખ કરોડની માર્કેટ કેપ સાથેની કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ એવી છે જેની માર્કટ રેપ વર્તમાન વર્ષમાં રૂપિયા એક લાખ કરોડની અંદર સરકી ગઈ છે.










