વડોદરાઃ ફતેગંજ વિસ્તારમાં ભરબપોરે વૃધ્ધાને વાતોમાં ફસાવી દાગીના તફડાવી જનાર બે ગઠિયા પૈકી એક ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયો છે.
ફતેગંજ જૂના મોદી ખાનામાં રહેતા જશોદાબેન વાઘેલાએ ગઇ તા.૫મીએ બપોરે રસોઇ કામ કરવા જતા હતા ત્યારે બે યુવકોએ તેમને અટકાવ્યા હતા.જે પૈકી એક જણાએ માજી તમારો હાથ બતાવો,હું કહું તે પ્રમાણે કરો તો ધારેલું કામ થશે..તેમ કહી હાથ પર તાળી મારી ત્રણ વાર હરિઓમ બોલી મુઠ્ઠી બંધ કરવા કહ્યું હતું.
ત્યારબાદ બીજો યુવક આવ્યો હતો અને તેણે આટલા દાગીના કેમ પહેર્યા છે તેમ કહી સોનાની ચેન તેમજ બુટ્ટી થેલીમાં મૂકાવી થાંભલાને ત્રણ આંટા મારવા કહ્યું હતું અને ફરાર થઇ ગયા હતા.
ક્રાઇમ બ્રાન્ચે આ બનાવમાં સીસીટીવી ફૂટેજના આધારે નામચીન હૈદર અસલમ શેખ(હાઉસિંગ બોર્ડના મકાનમાં,પેટલાદ મૂળ કોસંબા)ને સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા પાસેથી બાઇક સાથે ઝડપી પાડયો હતો.હૈદર સામે અગાઉ પણ અમદાવાદ,ભરૃચ,વડોદરા ગ્રામ્યમાં ચાર ગુના નોંધાયા હતા.