![]()
Subhash Bridge Closure News: અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા મહત્વના સુભાષ બ્રિજની સ્થિતિ અંગેનો ટેકનિકલ રિપોર્ટ હવે વિલંબિત થયો છે. અગાઉ આ રિપોર્ટ 25 ડિસેમ્બર સુધીમાં આવવાની શક્યતા હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ રિપોર્ટ આગામી 28 ડિસેમ્બર સુધીમાં સબમિટ કરવામાં આવશે. પરિણામે, બ્રિજ હજુ વધુ ત્રણ દિવસ ટ્રાફિક માટે બંધ રહેશે.
નિર્ણય લેવામાં કેમ થઈ રહ્યો છે વિલંબ?
AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્રિજને રિપેરિંગ કરીને ફરી ખોલવો કે પછી તેના માળખામાં મોટા ફેરફારો (Structural Interventions) કરવા તે અંગે હજુ સુધી કોઈ અંતિમ કે તટસ્થ નિર્ણય લેવામાં આવ્યો નથી. નિષ્ણાતોના અભિપ્રાય અને સરકાર સાથેના પરામર્શ બાદ જ કોઈ ચોક્કસ દિશા નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: VIDEO: લાંબો સમય બંધ રહી શકે છે સુભાષ બ્રિજ! બારીકાઈથી થશે તપાસ, AMC ટૂંક સમયમાં લેશે નિર્ણય
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું નિવેદન
AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ આ અંગે જણાવ્યું હતું કે, ‘અત્યારે રિપોર્ટ મળ્યો નથી. રાજ્ય સરકાર, R&B વિભાગ અને મ્યુનિસિપલ કમિશનર સાથે પરામર્શ ચાલી રહ્યો છે. રિપોર્ટ સબમિટ થયા પછી, નિષ્ણાતોના અભિપ્રાયને આધારે જ નિર્ણય લેવામાં આવશે.’
સુરક્ષા સર્વોપરી
સુભાષ બ્રિજ સાબરમતી નદી પરનો અત્યંત મહત્વનો કનેક્ટર છે. તેની માળખાકીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે તેને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ બ્રિજ બંધ હોવાથી અન્ય રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સંપૂર્ણ ટેકનિકલ તપાસ પૂરી ન થાય અને બ્રિજ વાપરવા માટે સુરક્ષિત ન જણાય ત્યાં સુધી તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે નહીં.










