Indian and Philippine youth die on Hillary Step : વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર તાજેતરમાં માર્ચ-મે પર્વતારોહણ સિઝન દરમિયાન બે પર્વતારોહકના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ભારત અને ફિલિપાઈન્સના યુવકોનું મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, 45 વર્ષીય ભારતીય પર્વતારોહક સુબ્રત ઘોષ એવરેસ્ટના 8849 મીટર ઊંચા શિખરને સફળતાપૂર્વક સર કર્યો હતો. પરંતુ ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપથી નીચે આવતી વખતે તેનું મોત નીપજ્યું હતું.
હિલેરી સ્ટેપ પરથી નીચે ઉતરતા સમયે મોત
માઉન્ટ એવરેસ્ટ પર ભારત યુવકનું મોતને લઈને નેપાળની સ્નોઈ હોરાઇઝન ટ્રેક્સ એન્ડ એક્સપિડિશન કંપનીના આયોજક બોધરાજ ભંડારીએ જણાવ્યું હતું કે, ‘તે હિલેરી સ્ટેપ પરથી નીચે ઉતરવા માટે તૈયાર ન હતા. ત્યાં જ તેનું મૃત્યુ થયું. તેમના મૃતદેહને બેઝ કેમ્પમાં લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પોસ્ટમોર્ટમ પછી જ મૃત્યુનું કારણ જાણવા મળશે.’ એવરેસ્ટમાં 8000 મીટર એટલે કે 26250 ફૂટથી ઉપરનો વિસ્તાર હિલેરી સ્ટેપને ‘ડેથ ઝોન’ કહેવામાં આવે છે. આ વિસ્તારમાં મનુષ્યને જીવિત રહેવા માટેનો પર્યાપ્ત પ્રાકૃતિક ઓક્સિજન હોતું નથી.
ફિલિપાઈન્સના પર્વતારોહકનું મોત
બીજી તરફ, ગત બુધવારની મોડી રાત્રે ફિલિપાઈન્સના અન્ય પર્વતારોહકનું સાઉથ કોલમાં મોત થયું હતું. નેપાલ પર્યટન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, ‘તે ચોથા હાઈ કેમ્પ સુધી પહોંચ્યા, પરંતુ વધુ પડતા થાકી ગયા હોવાના કારણે તેમણે પોતાના ટેન્ટમાં આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.’
મળતી માહિતી મુજબ, બંને પર્વતારોહકો બોધરાજ ભંડારી દ્વારા આયોજિત એક જ આંતરરાષ્ટ્રીય અભિયાન ટીમનો ભાગ હતા. નેપાળે આ સિઝન માટે 459 પર્વતારોહક પરમિટ જારી કરેલી. આ અઠવાડિયે લગભગ 100 પર્વતારોહકો અને તેમના માર્ગદર્શકો શિખર પર પહોંચી ચૂક્યા છે.
આ પણ વાંચો: યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો
નોંધનીય છે કે, પર્વતારોહક, ટ્રેકિંગ અને પર્યટન નેપાળ માટે આવક અને રોજગારના મુખ્ય સ્ત્રોત છે. આર્થિક રીતે આ દેશ હજુ પણ વિશ્વના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. હિમાલયન ડેટાબેઝ અને પર્વતારોહણ અધિકારીઓ અનુસાર, છેલ્લા 100 વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢતી વખતે ઓછામાં ઓછા 345 લોકોએ જીવ ગુમાવ્યા છે. ખરાબ હવામાન, ઓક્સિજનનો અભાવ અને અતિશય થાક આ પર્વત પરના સૌથી મોટા જોખમો છે. ગુરુવારે અચાનક ખરાબ હવામાનને કારણે, ઘણા પર્વતારોહકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.