ગાંધીનગરમાં આગામી તા. 1 મેથી પ્રતિક ઉપવાસ, તા. 3થી અન્નજળનો ત્યાગ : સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ ઉચ્ચતર પેન્શન અંગે અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવતા લડતની ચીમકી : ઇજાફાની ચુકવણીમાં પણ અન્યાય
રાજકોટ, : રાજ્યમાં નાગરિક પુરવઠા વિભાગના નિવૃત કર્મચારીઓને પેન્શન બાબતે થયેલા અન્યાય અંગે વારંવારની રજૂઆતો છતાં કોઇ હકારાત્મક ઉકેલ ન આવતા તેમજ નિગમે ઇપીએફઓને સમયમર્યાદામાં માહિતી પુરી ન પાડીને આ નિગમના અનેક નિવૃત્ત પેન્શનરોને સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબના પેન્શનથી વંચિત રાખતા તા. 1લી મેથી ગાંધીનગર કચેરી ખાતે આંદોલન કરવાનું નક્કી કર્યું છે.
ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન રિટાયર્ડ એમ્પ્લોઇઝ સેવા મંડળના આગેવાનોએ અગ્ર સચિવ, મેનેજિંગ ડીરેક્ટરને પત્ર પાઠવી જણાવ્યું છે કે સુપ્રિમ કોર્ટના ચુકાદા અન્વયે નિવૃત કર્મચારીઓને મળવાપાત્ર હાયર પેન્શનરો હાયર પેન્શનથી વંચિત રહે એવી સ્થિતિ નિર્માણ થઇ છે. ઇપીએફઓએ મુદતમાં વારંવાર વધારો કર્યો હતો અને છેલ્લે તા. ૩૧ જાન્યુઆરી મુદત આપી હતી. આમ છતા સિવિલ સપ્લાય કચેરીએ કોઇ ગંભીરતા ન દાખવી જરૂરી વિગતો પુરી પાડી નથી. જેના કારણે તા. 1-9-14અને તે પછી નિવૃત થયેલા તમામ વૃધ્ધો નવા પેન્શનથી વંચિત રહેશે. આ ઉપરાંત તા. 30-6 માં નિવૃતને ઇજાફો આપવાનો પણ અમલ કર્યો નથી. મળવાપાત્ર ત્રણ ઉચ્ચતર પગાર ધોરણના લાભો બાબતે કોઇ પ્રતિસાદ મળ્યો નથી. આ પ્રશ્નો ન ઉકેલાય તો તા. 1લી મેથી બે દિવસ પ્રતીક ઉપવાસ, તા. 3થી અન્નજળનો ત્યાગ અને તા. 5મીથી નિવારણ ન આવે ત્યાં સુધી અન્નજળનો ત્યાગ આંદોલન કરાશે.