![]()
અમદાવાદ, સોમવાર, 5 જાન્યુ,2026
અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલા ઔડાના પ્લોટમાં ઉભા
કરવામા આવેલા પતંગ અને ફટકડાના પતરાના બનાવાયેલા સ્ટોલમાં સિલિન્ડર બ્લાસ્ટથી આગ લાગી હતી.સોમવારે વહેલી
પરોઢે પ્રચંડ ધડાકા સાથે આગ લાગતા અવાજથી આસપાસના લોકો ઉંઘમાંથી જાગી ગયા
હતા.સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.ફટાકડા ફુટવાના અવાજ દુર
દુર સુધી સંભળાતા રહીશોમા ભારે ગભરાટ ફેલાયો હતો.
સાઉથ બોપલમાં સોબો સેન્ટર ચાર રસ્તા પાસે ઔડાનો પ્લોટ આવેલો
છે. આ પ્લોટમાં સિઝનલ બિઝનેસ કરવા માટે અલગ અલગ શેડ બનાવાયા છે. ફાયર કંટ્રોલ સૂત્રોમાંથી
મળતી વિગત મુજબ, વહેલી સવારે
૨.૪૫ કલાકના સુમારે કોલ મળતા જ ફાયર ફાઈટર,વોટર બાઉઝર
સહિતના વાહનો સાથે ફાયર અધિકારી સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.આગ હોલવવાની
કામગીરીમા જોડાયેલા ફાયરના અધિકારીએ કહ્યું,
પતરાના શેડમાં પતંગ અને ફટાકડા જેવી જવલનશીલ ચીજ હોવાથી મિનીટોમાં સ્ટોલ બળીને
ખાખ થઈ ગયો હતો.આ સ્ટોલની નજીક એક શાકભાજીનો સ્ટોલ આવેલો હતો.જેને સામાન્ય નુકસાન થવા
પામ્યુ છે.










