Fake OSD Officer Caught In Daman: ગુજરાતમાં નકલી પોલીસ, જજ, વકીલ, શિક્ષક, ડૉક્ટર, PMO અધિકારીની ભરમાર વચ્ચે ગૃહમંત્રીના નકલી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) અધિકારી ઝડપાયા છે. આરોપીએ ગૃહમંત્રીના નકલી ઓએસડી બનીને પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ દમણ પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.
જાણો શું છે સમગ્ર મામલો
મળતી માહિતી અનુસાર, નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનાર વ્યક્તિએ પોતાને ગૃહમંત્રીના ઓએસડી તરીકે ઓળખ આપીને મહારાષ્ટ્રથી મળેલી ઝીરો એફઆઈઆરમાં ગુનો નોંધીને પોતાના મિત્રની તરફેણ કરવાની વાત કરી હતી.દમણ પોલીસને કોલ બાબતે શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં કોલ કરનાર વ્યક્તિ ગૃહમંત્રીનો OSD ન હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે ગુનામાં સંડોવાયેલા સુરેન્દ્ર સિંહ અને મંબઈથી શહજાદ શમશાદની ધરપકડ કરવામાં આવી.
આ પણ વાંચો: નવસારીમાં હનુમાન જયંતિનો પ્રસાદ ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગ, આરોગ્ય વિભાગ દોડતું થયું
પોલીસ તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ
બંન્ને આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે શહજાદ શમશાદ અહેમદ આરોપીનો મિત્ર છે, તેણે પૈસાની લાલચ આપી હતી અને આરોપી સાથે મળીને એક યોજના બનાવી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્રથી નાની દમણ પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઈઆરના કાગળો મળ્યા છે, તેમની પૂછપરછ ચાલી રહી છે, તમે ગૃહમંત્રીના ઓએસડી તરીકે નાની દમણ પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરને કોલ કરીને ગુનો નોંધવા અને તેમની તરફેણ કરવા કહ્યું હતું. પોલીસને સમગ્ર બાબત અજુગતી લાગતા અને કોલ ડિટેઈલની તપાસ કરતા શંકા ઘેરી બની હતી અને ત્યાર બાદ બે આરોપીની ધરપકડ કરી છે.