Air India Iran Airspace Closure: ઈરાનમાં સર્જાયેલી અસ્થિરતા અને એરસ્પેસ બંધ થવાના કારણે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ પર મોટી અસર પડી છે, જેને પગલે એર ઈન્ડિયા અને ઇન્ડિગોએ મુસાફરો માટે મહત્ત્વની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે ઈરાન ઉપરથી પસાર થતી તમામ ફ્લાઈટ્સના રૂટ બદલવાની ફરજ પડી છે. એરલાઇન્સ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે મુસાફરોની સુરક્ષા તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, તેથી ઈરાની એરસ્પેસનો ઉપયોગ ટાળીને ફ્લાઈટ્સ હવે વૈકલ્પિક લાંબા રૂટ પરથી ચલાવવામાં આવી રહી છે.
સુરક્ષાના કારણોસર તમામ આંતરરાષ્ટ્રીય વિમાનોએ રૂટ બદલ્યા
આ ફેરફારને કારણે ઉડાનના સમયમાં વધારો થયો છે અને કેટલીક ફ્લાઈટ્સ મોડી પડી શકે છે, જ્યારે અમુક રૂટ્સ પર ફ્લાઈટ્સ રદ કરવાની જરૂરીયાત પણ પડી છે. ફ્લાઈટ રડાર 24ના ડેટા મુજબ, હાલમાં કોઈ પણ વિમાન ઈરાનના આકાશમાંથી પસાર થઈ રહ્યું નથી અને તમામ એરલાઈન્સ અન્ય સુરક્ષિત માર્ગો અપનાવી રહી છે. ઉડ્ડયન નિષ્ણાતોના મતે, આ ભૌગોલિક-રાજકીય તણાવને કારણે વૈશ્વિક એર ઓપરેશન્સ અને શેડ્યૂલ ખોરવાયા છે.
આ પણ વાંચો: મુંબઈનો ‘કિંગ’ કોણ? BMC સહિત 29 મનપામાં મતદાન શરૂ, અક્ષય કુમારની લોકોને કડક અપીલ
એરપોર્ટ જતાં પહેલાં ઓનલાઈન સ્ટેટસ તપાસી લેવા મુસાફરોને સલાહ
એર ઈન્ડિયાએ મુસાફરોને ખાસ વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ જવા નીકળે તે પહેલાં એરલાઈનની વેબસાઈટ અથવા ઓફિશિયલ પ્લેટફોર્મ પર પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. એરલાઈન સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને સ્થિતિ સામાન્ય થતાં જ ફરી જૂના રૂટ શરૂ કરવામાં આવશે. ત્યાં સુધી મુસાફરોને સંયમ રાખવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
એરલાઇન્સ કંપનીઓનું કહેવું છે કે આ સ્થિતિ તેમના નિયંત્રણ બહાર છે અને તેઓ પ્રભાવિત ગ્રાહકોને શ્રેષ્ઠ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે સક્રિયપણે કામ કરી રહી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરલાઇન્સની સત્તાવાર વેબસાઇટ પર જઈને ફ્લેક્સિબલ રિબુકિંગ (ફરીથી ટિકિટ બુક કરાવવી) અથવા રિફંડ માટેના વિકલ્પો તપાસી લે. એરલાઇન્સ ટીમો આ વિકટ પરિસ્થિતિમાં મુસાફરોને પડતી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને સતત અપડેટ્સ આપવાની ખાતરી આપી છે.











