અમદાવાદ,સોમવાર,14
એપ્રિલ,2025
અમદાવાદના શાહીબાગ વોર્ડમાં સિવિલ હોસ્પિટલને જોડતા રોડ ઉપર
ટ્રાફિકનુ ભારણ હળવુ કરવા અગ્રસેન ટાવરથી રજનીગંધા ટાવર સુધીના હયાત ૪૦ ફુટ પહોળા
રોડને ૬૦ ફુટ સુધી પહોળો કરાશે.વિઠ્ઠલનગર ચાર રસ્તાથી આનંદ હોસ્પિટલ સુધીના હયાત
૩૦ ફુટ પહોળા રોડને ૬૦ ફુટ સુધી પહોળો કરાશે. રોડલાઈનના અમલને લઈ આ બંને રોડ ઉપર
આવેલી ૩૨ રહેણાંક, ૧૯ કોમર્શિયલ
મિલકતમાં અંશત કપાત આવશે.અસરગ્રસ્તોને વળતરરુપે ટી.ડી.આર. અપાશે.
શાહીબાગ વોર્ડમાં સિવિલ હોસ્પિટલને જોડતા બે અલગ અલગ રોડ
ઉપર રોડલાઈનનો અમલ કરાવવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરાઈ
છે.ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,વિઠ્ઠલનગર
ચાર રસ્તાથી આનંદ હોસ્પિટલ સુધી તથા અગ્રસેન ટાવરથી રજનીગંધા ટાવર સુધી આવેલા
રસ્તા સિવિલ હોસ્પિટલને જોડતા રસ્તા છે.આ રસ્તા શાહીબાગ વિસ્તારના તેમજ બહારગામથી
સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવતા દર્દીઓ માટે ખુબ મહત્વ ધરાવે છે.આ
રસ્તાઓ ઉપર અવર-જવર કરવા માટે તેમજ ૧૦૮ એમબ્યુલન્સ તથા બીજા વાહનોનો ધસારો મોટી
સંખ્યામાં જોવા મળતો હોય છે.રાજસ્થાન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલને જોડતા આ રસ્તા
છે.જેથી ઈમરજન્સીના કેસમાં તથા ટ્રાફિક જામના સમયમાં સમયસર હોસ્પિટલ પહોંચી શકાય
અને દર્દીનો જીવ બચાવી શકાય એ હેતુથી આ રોડ લાઈનનો અમલ કરવા નિર્ણય કરાયો છે.રસ્તા
ખુલશે તો સ્થાનિક રહીશોને પણ અવર જવર કરવામાં સરળતા રહેશે.
રોડલાઈન અમલને લઈ કેટલી મિલકતને અસર પહોંચશે
પ્રકાર મિલકતની
સંખ્યા
રહેણાંક ૩૨
કોમર્શિયલ ૧૯
કમ્પાઉન્ડ વોલ ૦૩
સ્કૂલ શેડ ૦૧
ટોઈલેટ ૦૧
ખુલ્લો પ્લોટ ૦૧