ડિમોલિશનની કાર્યવાહીમાં પોલીસ, ટીડીઓ, સરપંચ, તલાટી હાજર રહ્યા
બૂટલેગર સામે દારૂના અડધો ડઝન ગુના નોંધાયા હતાં, 100 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટ: શાપરમાં રહેતા બૂટલેગર મહેન્દ્રસિંહ ઉર્ફે ધોની ઉર્ફે નરેન્દ્રસિંહ શિવમંગલસિંહ ચૌહાણના ગેરકાયદે મકાન ઉપર આજે તંત્રએ બૂલડોઝર ફેરવી દીધું હતું.
ગૃહ વિભાગ દ્વારા અસામાજિક તત્વો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશના ભાગરૂપે શાપર પોલીસે તપાસ કરતાં બૂટલેગર મહેન્દ્રસિંહનું મકાન ગેરકાયદે હોવાની માહિતી મળી હતી. જેથી તે મકાનના ડિમોલીશન માટે મામલતદારને પત્ર લખ્યો હતો.
મામલતદારે તપાસના અંતે ગૌચરની જમીન ઉપર આ મકાન બંધાયાનો રિપોર્ટ આપતાં તેના આધારે શાપર પોલીસે ટીડીઓને પત્ર લખ્યો હતો. આખરે આજે ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. બૂટલેગર મહેન્દ્રસિંહ વિરૂધ્ધ શાપર પોલીસમાં જ પ્રોહીબીશનના અડધો ડઝન ગુના નોંધાયેલા છે.
શાપર પોલીસે જણાવ્યું કે સરકારી ખરાબાની જમીન ઉપર દબાણ હોય તો મામલતદારને પત્ર લખવાનો હોય છે. જ્યારે ગૌચરની જમીન ઉપર દબાણ હોય તો તે ગ્રામ પંચાયત અને ટીડીઓની અંડરમાં આવે છે. બૂટલેગર મહેન્દ્રસિંહનું મકાન ગૌચરની જમીન ઉપર હોવાથી આજની ડિમોલીશનની કાર્યવાહીમાં ટીડીઓ, સરપંચ અને તલાટી પણ હાજર રહ્યા હતાં. આ રીતે અંદાજે રૂા. ૨૦ લાખની કિંમતની ૧૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.