WHO Hearing Report 2050: વિશ્વભરમાં સાંભળવાની શક્તિ નબળી પડવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)ના પ્રથમ ‘વર્લ્ડ રિપોર્ટ ઓન હિયરિંગ’ મુજબ, વર્ષ 2050 સુધીમાં વિશ્વની લગભગ 2.5 અબજ વસ્તી, એટલે કે દર ચારમાંથી એક વ્યક્તિ કોઈને કોઈ સ્તરની સાંભળવાની ખામીનો સામનો કરી રહી હશે. આમાંથી આશરે 70 કરોડ લોકોને કાનની વિશેષ સારવાર અને પુનર્વસન(Rehabilitation)સેવાઓની જરૂર પડશે. હાલની સ્થિતિની વાત કરીએ તો, અત્યારે પણ દર પાંચમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા દેશોમાં નિષ્ણાતો અને સંસાધનોની અછતને કારણે 80% કિસ્સાઓમાં સમયસર ઈલાજ મળી શકતો નથી, જે આ આંકડો વધવાનું મુખ્ય કારણ છે.
યુવાનો અને બાળકોમાં વધતું જોખમ
WHOના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બાળકોમાં સાંભળવાની સમસ્યાના 60% કિસ્સાઓ રસીકરણ, સારી પ્રસૂતિ સંભાળ અને કાનના ચેપના સમયસર ઈલાજ દ્વારા રોકી શકાય તેમ છે. બીજી તરફ, યુવાનોમાં હેડફોન અને સ્માર્ટફોન દ્વારા લાંબા સમય સુધી તેજ અવાજમાં મ્યુઝિક સાંભળવાની આદત એક મોટું જોખમ બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ, 12થી 35 વર્ષની વયના 1 અબજથી વધુ લોકોમાં તેજ અવાજને કારણે કાયમી બહેરાશની અસર જોવા મળે છે. આ ઉપરાંત અસ્વસ્થ જીવનશૈલી અને ધ્વનિ પ્રદૂષણ પણ સાંભળવાની ક્ષમતાને સીધી અસર કરી રહ્યા છે.
આ પણ વાંચો: શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? અહીં જાણો સૉલ્ટ લેવલમાં લાવવા માટે શું કરવું જોઈએ
આરોગ્ય તંત્રની મર્યાદા અને ઉકેલ
રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે દુનિયામાં ENT નિષ્ણાતો, ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટની ભારે અછત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાનની તપાસ માટે પૂરતી સુવિધાઓ નથી, જેના કારણે રોગની વહેલી ઓળખ થઈ શકતી નથી. જોકે, નવી ટેકનોલોજીની મદદથી હવે ઓછા ખર્ચે તપાસ શક્ય છે અને ઘણી બીમારીઓનું નિવારણ સર્જરી કે દવાઓ દ્વારા કરી શકાય છે. WHOના મતે, જો સરકાર કાનની આરોગ્ય સેવાઓમાં 1 ડોલરનું રોકાણ કરે, તો તેની સામે 16 ડોલર જેટલો સામાજિક અને આર્થિક લાભ મળી શકે છે. સાંભળવાની તકલીફ માત્ર વાતચીત પૂરતી મર્યાદિત નથી, તે વ્યક્તિના શિક્ષણ, રોજગાર અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર કરે છે, જે સામાજિક એકલતા અને ડિપ્રેશન તરફ દોરી શકે છે.






