![]()
Surat News: સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે આયોજિત શૈક્ષણિક પ્રવાસમાં વહીવટી બેદરકારીનો ચહેરો સામે આવ્યો છે. ધોરણ 6 થી 8 ના વિવિધ સ્પર્ધામાં ટોપ થ્રીમાં આવેલા 800થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ગૌરવપૂર્ણ ગણાતો આ પ્રવાસ, ગેરવ્યવસ્થા અને કોન્ટ્રાક્ટર કેટરર્સની ગંભીર બેદરકારીને કારણે આફત જનક અને ભૂખમરો સહન કરવા વાળો બની ગયો હતો.
પ્રવાસનું સમયપત્રક માત્ર કાગળ પર સીમિત
વહેલી સવારે પાંચ વાગ્યે ઘરેથી નીકળેલા વિદ્યાર્થીઓને સવારનો નાસ્તો છેક બપોરે 12.30 વાગ્યે અને બપોરનું ભોજન સાંજે ચાર વાગ્યે મળ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. ભૂખ્યા વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચે નાસ્તા ના પેકેટ ખરીદ્યા અથવા ઘરેથી લાવેલો નાસ્તો કરવાની ફરજ પડી હતી. પ્રવાસમાં ગયેલા વિદ્યાર્થીઓની હાલત કફોડી થઈ ગઈ હતી, સી.આર.સી.( ક્લસ્ટર રિસોર્સ સેન્ટર) કેટરર્સનો બચાવ કરી રહ્યાં હોવાથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસ સુરતથી ધરમપુર–બરૂમાળ અને દાંડી માટે રાખવામાં આવ્યો હતો. નક્કી કાર્યક્રમ મુજબ સવારે 9.30 વાગ્યે નાસ્તો, બપોરે 1 વાગ્યે ભોજન અને 2.30 વાગ્યે દાંડી માટે રવાના થવાનું હતું. પરંતુ હકીકતમાં બસો નિયત સમય કરતા એક કલાકથી વધુ મોડું નીકળી અને સમયપત્રક કાગળ પર જ સીમિત રહી ગયું.
ટેમ્પોમાં મજૂર હતા તો પોલીસે પડક્યા, બાદમાં ટાયર ફાટ્યું
વિદ્યાર્થીઓ નવસારી નજીક આવેલા ઉન સાંઈબાબા મંદિર ખાતે નાસ્તા માટે પહોંચી ગયા હતા, પરંતુ કેટરર્સ હાજર ન હોવાથી અને ફોન પણ ન ઉપાડતાં વિદ્યાર્થીઓને નાસ્તા વગર જ ધરમપુર લઈ જવાયા હતા. ત્યારબાદ સી.આર.સી. દ્વારા કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે પલસાણા નજીક ટેમ્પોમાં મજૂર હોવાના કારણે પોલીસે પકડી લીધા અને પછી ટાયર ફાટવાના કારણે મોડું થયું હતું.
સવાલોના ઘેરામાં CRC
આ સ્પષ્ટીકરણ છતાં સવાલો ઉભા થયા છે કે 800થી વધુ વિદ્યાર્થીઓના નાસ્તા-ભોજન જેવી મૂળભૂત વ્યવસ્થા માટે કોઈ બેકઅપ પ્લાન કેમ ન હતો? શું જવાબદાર CRCએ માત્ર કાગળ પરના કરારો કરી જવાબદારી પૂર્ણ માની લીધી હતી? ટેમ્પો બપોરે 12 વાગ્યાની આસપાસ ધરમપુર પહોંચ્યો અને 12.30 વાગ્યે નાસ્તો આપવામાં આવ્યો. પરંતુ તે સમયે સુધી વિદ્યાર્થીઓ પાંચ-છ કલાક થી ભૂખ્યા હતા તેના માટે જવાબદાર કોણ?
અસુવિધાથી વાલીઓમાં ભારે રોષ
આ 800 વિદ્યાર્થીઓને બપોરના જમવાના સમયે નાસ્તો આપવો અને જમવાનું છેક સાંજે ચાર વાગ્યે આપવું એ આયોજનમાં સીધી બેદરકારીની ચાડી ખાઈ રહી છે. આવી સ્થિતિને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાલત કફોડી બની ગઈ હતી. 2.30 વાગ્યે દાંડી માટે રવાના થવાને બદલે માંડ 5.20 વાગ્યે બસો નીકળી હતી. સમયપત્રક નો ભંગ અને મૂળભૂત સુવિધા અછતને કારણે વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. હવે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
આ પણ વાંચો: Explainer: 21મી સદીના એન્જિનિયરિંગનો ચમત્કાર, સમુદ્ર પર તરશે ‘ઓશનિક્સ બુસાન’ નામનું શહેર
શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ પ્રવાસે અને અધ્યક્ષને જાણ જ ન કરી
ઓછામાં પૂરું જયારે સમગ્ર મામલે અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી તો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ પ્રવાસના આયોજનમાં સમિતિના વિદ્યાર્થીઓ હતા પરંતુ તેની જાણ ઈનચાર્જ શાસનાધિકારીને કરવામાં આવી હતી પણ સમિતિના અધ્યક્ષને કરવામા આવી જ ન હતી. જેથી તેઓએ સી,આર.સી. અને અન્ય જવાબદારની ઝાટકણી કાઢી હતી અને હવે પ્રવાસ થાય તો પહેલી જાણ અધ્યક્ષને પણ કરવા તાકીદ કરી હતી.









