અમદાવાદ,ગુરુવાર,17
એપ્રિલ,2025
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા કલોથ માર્કેટમાં ગુરુવારે
બપોરના સમયે ભીષણ આગ લાગી હતી. શરણમ-૫ નામના બિલ્ડિંગના ચોથા માળે આવેલા કાપડના
ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં જીન્સ સહિત કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો.ચોથા
માળે લાગેલી આગ હોલવવા બારીના કાચ તોડવા પડયા હતા.પાંચ કલાક બાદ આગ કાબૂમાં આવી
હતી.આગ લાગવાના સમયે કામ કરી રહેલા દસ લોકોને ફાયર વિભાગ દ્વારા સલામત બહાર
કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાનુ ચોકકસ કારણ જાણી શકાયુ નથી.
ખોખરા વિસ્તારમાં આવેલા શરણમ-૫ના કાપડના ગોડાઉનમાં આગ
લાગવાનો કોલ મળતા બપોરના ૧૨.૩૦ કલાકના સુમારે ફાયર વિભાગ દ્વારા ગજરાજ,વોટર બાઉઝર
ઉપરાંત ફાયર ફાઈટર સહિત કુલ છ વાહન સાથે ફાયરના અધિકારીઓ અને જવાનોને સ્થળ ઉપર
દોડાવવામાં આવ્યા હતા.પાંચ માળના શરણમ-૫ના ચોથા માળે કાપડના જથ્થામાં આગ લાગી હોવાથી આસપાસના
વિસ્તારમાં દુર દુર સુધી ધૂમાડો દેખાતા લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા
હતા. આગની ભીષણતાને જોતા ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર વિભાગના અન્ય અધિકારીઓએ ફાયર
ફાઈટીંગ માટે વધુ વાહન બોલવવા પડયા હતા.ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગેરેએ કહયુ,લાગેલી આગને
હોલવવા બિલ્ડિંગની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરવાની સાથે ફાયરના વાહનોની મદદથી પાણીનો
સતત મારો ચલાવવામાં આવ્યો હતો. ચોથા માળે લાગેલી આગ હોલવવા બારીના કાચ તોડવા પડયા
હતા.બિલ્ડિંગના પાંચમા માળ ઉપર એક શેડ બનાવવામાં આવ્યો છે. આ શેડ કાયદેસર છે કે
કેમ એ અંગે તપાસ કરવામાં આવશે એમ ચીફ ફાયર ઓફિસરે કહયુ છે.બપોરના સમયે લાગેલી આગ
પાંચ કલાક પછી કાબૂમાં લઈ શકાઈ હતી. આગ કાબૂમાં આવ્યા પછી કુલિંગની કામગીરી ફાયર
વિભાગ દ્વારા કરાઈ હતી.