ખંભાતમાં આરોપીના મકાનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સાથે વીજ જોડાણ કપાયું
નડિયાદ: ખેડા જિલ્લા ૧૦૦થી વધુ અને આણંદ જિલ્લામાંથી ૩૯ અસામાજિક તત્વોની યાદી રાજ્ય પોલીસ વડાને મોકલી આપી છે. આજે ખંભાતમાં આરોપીના મકાનનું ગેરકાયદે વીજ જોડાણ કાપવા સાથે બાંધકામ તોડી પડાયું હતું.
રાજ્ય પોલીસ મહાનિર્દેશક દ્વારા તમામ જિલ્લાઓમાંથી અસામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા તત્વોની યાદી મંગાવી હતી. ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા તમામ પોલીસ મથકોમાંથી દારૂ-જુગાર, મિલકતના ગુના, શરીર સબંધિત ગુના સહિતની અસામાજિક પ્રવૃતિઓ સાથે જોડાયેલા ૧૦૦થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી નાખી છે. જ્યારે આણંદ જિલ્લામાં દારૂના આરોપીઓ- ૧૦, જુગારના- ૨, શરીર સબંધી ગુનાઓના- ૧૫, મિલકત સંબંધી ગુનાનો એક, પશુ સંરક્ષણ ધારા હેઠળના ગુનામાં-૧૧ મળી કુલ ૩૯ અસામાજિક ગુંડા- તત્વોની યાદી મોકલી અપાઈ છે. આ યાદી રાજ્ય પોલીસ વડાને મોકલી આપી છે. ત્રણ આરોપી વિરૂદ્ધ તડીપારની કાર્યવાહી ચાલુ છે. ખંભાતમાં આરોપીના મકાનનું ગેરકાયદે વીજ જોડાણ આજે કાપવા સાથે મકાનનું ગેરકાયદે બાંધકામ પણ તોડી પડાયું છે. સંબંધિત વિભાગોને પત્રો લખી અસામાજિક તત્વોના ગેરકાયદે મકાનો અંગેની વિતો મંગાઈ છે. સાથોસાથ આ તમામ અસામાજિક તત્વો જ્યાં રહે છે, તે વિસ્તારમાં જે સ્થાનિક સ્વરાજ્યનું એકમ લાગતું હોય, તે એકમમાં આ તત્વોના મકાનો કાયદેસર છે કે ગેરકાયદેસર? તે અંગેની વિગતો માંગવા માટે પણ પત્રો લખી દીધા છે. જેથી આ માહિતી મળ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા જે ગેરકાયદે બાંધકામો હશે, તેને દૂર કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવનાર છે.