Dwarka Crime: ગુજરાતના દ્વારકામાંથી બુધવારે ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જ્યાં ત્રણ દિવસથી ગુમ એક સગીરનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. આ મામલે સમગ્ર વિસ્તારમાં ચકચારી મચી ગઈ હતી. જેમાં હવે નવો વળાંક સામે આવ્યો છે. હકીકતમાં સગીરના મિત્રએ જ તેની હત્યા કરી દીધી હતી. હત્યાનું કારણ જાણીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો ખુલાસો
દ્વારકામાં બુધવારે (19 માર્ચ) 16 વર્ષીય સગીર કેતન વાઘેલાનો મૃતદેહ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો હતો. સગીર ત્રણ દિવસથી ગુમ હતો બાદમાં તેનો મૃતદેહ મળતાં સૌ કોઈ ચોંકી ગયા હતાં. આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમમાં મોકલી તપાસ હાથ ધરી હતી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સગીરની હત્યા થઈ હોવાના ખુલાસો થયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, કેતનના મિત્ર હર્શ નઘેરાએ જ તેની હત્યા કરી હતી.
આ પણ વાંચોઃ ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચારઃ આન્સર કી જાહેર, 2 વિષયમાં અપાશે ગ્રેસ માર્ક
કેમ કરી હત્યા?
પોલીસ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, મૃતક ગળામાં સોનાની ચેઇન પહેરતો હતો. હર્ષ અને કેતનનો કોઈ કારણોસર ઝઘડો થયો અને બાદમાં તેણે કેતનની ચેઇન મેળવવા માટે તેના ગળામાં ઘા કર્યો હતો. જેના કારણે કેતનનું મોત નિપજ્યું હતું. હત્યા બાદ હર્ષ ડઘાઈ ગયો અને કેતનની લાશને સોસાયટીના પાણીના ટાંકામાં નાંખી દીધી અને ચેઇન લઈને ફરાર થઈ ગયો. એટલું જ નહીં હર્ષે બે દિવસ સુધી તેના કેતનના માતા-પિતા સાથે તેને શોધવા જવાનો પણ ડોળ કર્યો હતો. જોકે, બાદમાં પોલીસ પૂછપરછ દરમિયાન તેનો સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો.
આ પણ વાંચોઃ આંદોલન વચ્ચે રાજ્ય સરકારની લોલીપોપ: ખેલસહાયકોની કાયમી ભરતીની માંગ વચ્ચે વયમર્યાદામાં વધારો
શું હતી ઘટના?
દ્વારકાના ખંભાળિયામાં કેતન વાઘેલા નામના સગીરનો મૃતદેહ રામનાથ સોસાયટીના પાણીના ટાંકામાંથી મળી આવ્યો છે. કેતન વાઘેલા ત્રણ દિવસ પહેલાં ગુમ થયો હતો. ત્યારે માતા-પિતા દ્વારા લાપતાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્રણ દિવસ બાદ બુધવારે (20 માર્ચ) મોડી રાત્રે પાણીના ટાંકામાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે કેતનના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.