![]()
Vadodara : વડોદરા શહેરના વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકા સોસાયટીમાં ગેસ લાઈનની કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાને કારણે 35 વર્ષીય શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનામાં સુરક્ષાના સાધનોનો અભાવે કામદારનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે.
વડસર રોડ પર આવેલી વલ્લભ વાટિકામાં છેલ્લા એક અઠવાડિયાથી ગેસ લાઈન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન મૂળ રાજસ્થાનના વતની એવા 35 વર્ષીય અડીયાભાઈ પટેલ કામગીરી કરી રહ્યા હતા. ખોદકામ અથવા પાઈપ લાઈન ફિટિંગ દરમિયાન અચાનક વીજ લાઈન સાથે સંપર્ક થતા તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. કરંટ એટલો ભયાનક હતો કે અડીયાભાઈનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.
સ્થાનિકો અને કામદારોમાં એવી ચર્ચા છે કે જો કામગીરી વખતે પૂરતા સુરક્ષાના સાધનો ઉપલબ્ધ હોત, તો કદાચ આ શ્રમિકનો જીવ બચી શક્યો હોત. કોન્ટ્રાક્ટર કે જવાબદાર તંત્ર દ્વારા કામદારોની સુરક્ષાને લઈને કરવામાં આવતી બેદરકારી ફરી એકવાર સામે આવી છે.
મૃતક અડીયાભાઈ રાજસ્થાનથી વડોદરા મજૂરીકામ માટે આવ્યા હતા. તેમના મોતના સમાચાર મળતા જ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અડીયાભાઈને સંતાનમાં 3 બાળકો છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ મામલે તપાસ હાથ ધરી છે.










