Jamnagar News: જામનગર મહાનગર પાલિકા દ્વારા 7 કરોડ રૂપિયાના જંગી ખર્ચે ટાઉનહોલ રીપેરિંગનું કામ ખાનગી પાર્ટીને સોંપવામાં આવ્યું હતું. જે કામમાં ભ્રષ્ટાચારની શંકા સેવાઈ રહી હતી જે આખરે સાચી પડતી જણાય છે. હકીકતમાં આટલા ખર્ચા બાદ પણ હોલની ડ્રેનેજની લીકેજ થતી પાઈપલાઈનનું પાણી નીચેના એસી હોલમાં ટપકતું જોવા મળ્યું હતું.
4 કરોડનો ખર્ચ 7 કરોડ દર્શાવાયો
નોંધનીય છે કે, ગત 2022ના વર્ષમાં આ ટાઉનહોલ બંધ કરીને તેનું 4 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવાની મ્યુ. તંત્રએ જાહેરાત કરી હતી. પરંતુ કામ લંબાતું જ ગયા બાદ ગત જાન્યુઆરી-2025માં ટાઉનહોલને ફરી ખુલ્લો મુકાયો હતો, જે વખતે ટાઉનહોલનો રીપેરીંગ ખર્ચ 4 કરોડમાંથી સીધો 7 કરોડનો દર્શાવવામાં આવ્યો હતો. એક નવો ટાઉન હોલ બની જાય તેવા ખર્ચાળ રિનોવેશન સામે જે તે સમયે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરવા સાથે સવાલો કરવામાં આવ્યા હતા. જેમાં હવે તથ્ય હોય તેવું દેખાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ ગુનેગારોને નાથવા સતત ત્રીજા દિવસે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બે મહિનામાં જ છતના પોપડા ખરવા લાગ્યા
હાલ, મુખ્ય ટાઉનહોલના નીચેના ભાગમાં બનાવવામાં આવેલા એ.સી. સેલર હોલની છતમાં ઉપરની પાણીની લાઈનમાં લીકેજ થતું જોવા મળ્યું છે. આ સિવાય છતમાં વચ્ચોવચથી પોપડા પણ ખરી રહ્યા છે અને ત્યાંથી પાણી પણ લિકેજ થતું જોવા મળી રહ્યું છે. 7 કરોડ રૂપિયાના ખર્ચ સાથે રિનોવેશન કરાયેલાં ટાઉનહોલની માત્ર બે માસમાં જ આવી સ્થિતિ સર્જાઈ છે. જેથી આવા બેદરકારીભર્યા કામ બાબતે મ્યુનિ. કમિશનરે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, તેવી માંગ ઉઠી રહી છે.
આ પણ વાંચોઃ ‘ફરિદા મીર, ઓસમાણ મીરને પણ ન બોલાવાયા’, કલાકારોના સન્માન મુદ્દે ઇમરાન ખેડાવાલાએ પણ ઝંપલાવ્યું
ચોક્કસ મળતીયાઓના કારણે પ્રજાના નાણાનો વેડફાટ: વિપક્ષના નેતા
આ અંગે વિપક્ષના નેતા ધવલભાઈ નંદા જણાવે છે કે, અમે જનરલ બોર્ડની બેઠકમાં રિનોવેશન બાદ ટાઉનહોલમાં બહાર અને અંદર વિકલાંગો માટેની વ્યવસ્થા ન હોવાની, લાદીઓ ઉખડી ગયાની અને કામમાં ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરી તપાસ માંગી હતી. જે અમારી આશંકા હવે સાચી ઠરતી હોય તેમ લાગે છે. ચોક્કસ મળતીયાઓને કમાવી દેવાના કીમિયાના કારણે પ્રજાના નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે, જે મામલે જવાબદાર એવી કામ કરનાર પાર્ટી સામે પગલાં લેવાની પણ માંગ કરાઈ છે.