– આતંકીઓ પશ્તો ભાષામાં વાત કરતા હતા
– ‘જો પાકિસ્તાન સહકાર ન આપે તો પહેલગામ હુમલાને ‘એક્ટ-ઓફ-વોર’ જ કહી શકાય : પ્રો. મુક્તેદર ખાન’
નવી દિલ્હી : ૨૮ નિર્દોષ નાગરિકોના જાન લેનારા પહેલગાવ આતંકી હુમલાથી વિશ્વભરમાં આંચકો લાગી ગયો છે. નિર્દોષ સહેલાણીઓ જ્યારે પહેલગાવ પાસેની ‘બૈસારામ-વેલી’માં આનંદ માણી રહ્યા હતા, ત્યારે જ ત્રણ આતંકીઓ ત્રાટક્યા, દરેકનાં નામ અને ધર્મ પૂછ્યા જેમના હિન્દુ નામ અને ધર્મ હતા તેમને તુર્ત જ ઠાર માર્યા અને પછી જંગલમાં ઉતરી ગયા. આ માહિતી આપતાં ત્યાં રહેલા એક સહેલાણીએ જણાવ્યું હતું કે તેઓએ અમારા નામ, ધર્મ તો હિન્દુસ્તાની ભાષામાં પૂછ્યા પરંતુ અંદરો-અંદર તો તેઓ પશ્તો ભાષામાં વાત કરતા હતા.
ઉલ્લેખનીય છે કે આમ છતાં પાકિસ્તાને તે હુમલાખોરો સાથે કોઈ લેવા-દેવા ન હોવાનું જણાવ્યું હતું. પ્રશ્ન તે છે કે તો તેમની પાસે એ.કે. પ્રકારની રાયફલો આવી ક્યાંથી ?
યાદ રહે કે આ હુમલો થયો તેના થોડા દિવસો પૂર્વે જ પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફે (સીઓએએસે) ભારતને સીધી ધમકી આપી હતી.
આ હુમલા પછી ભારત કેવું પગલું ભરશે તે વિષે સઘન ચર્ચા ચાલી રહી છે. ભારતના ગૃહમંત્રીએ ભૂમિદળના વડા સાથે તે ઘટના સ્થળની પણ મુલાકાત લીધી હતી.
નવ ભારત ટાઈમ્સ જણાવે છે કે યુનિવર્સિટી ઓફ ડેલપરના પ્રોફેસર ડો. મુક્તેદર ખાન કહે છે કે, આ હુમલાનો સમય મહત્વનો છે. અમેરિકાના ઉપપ્રમુખ જે.ડી. વાન્સ ભારત આવ્યા તે સમયે જ આ હુમલો કરવામાં આવ્યો. બીજું વડાપ્રધાન મોદી સઉદી અરબસ્તાનની મુલાકાતથી સ્વદેશ પાછા ફરવા જેદ્દાહનાં વિમાનગૃહે પહોંચ્યા ત્યારે જ તે હુમલો થયો તે પૂર્વે ફેબુ્રઆરી મહિનામાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા ત્યારે તેઓએ ત્રાસવાદ ડામવા અને તેને તદ્દન નિર્મૂળ કરવા સાથોસાથ કામ કરવા નિર્ણય લેવાયો હતો.
પ્રો. ખાને વધુમાં કહ્યું કે, થોડા દિવસો પૂર્વે જ પાકિસ્તાનનાં લશ્કરના વડા અસીમ મુનરે બે અલગ અલગ પ્રજાઓ વિષે ઝેરીલાં વિધાનો સાથે તે થિયરીને સમર્થન આપ્યું હતું.
પ્રોફેસર ખાને આગળ જણાવ્યું કે, ‘જો પાકિસ્તાન તે આતંકીઓને જબ્બે કરવા સરહદો ખોલી ભારતને સહકાર નહીં આપે તો તે હુમલો એક રીતે યુદ્ધનું કાર્ય જ કહી શકાય. પરિણામ તે પણ આવી શકે કે બંને દેશો વચ્ચે (મર્યાદિત) યુદ્ધ પણ થઈ જવા સંભવ છે.’
પાકિસ્તાન ભલે તે ત્રાસવાદીઓ અંગે હાથ ઉંચા કરે, પરંતુ તેમની પુશ્તુ ભાષા પાકિસ્તાનના તે કથનને ખોટું પાડે છે. બીજી તરફ ભારતના સંરક્ષણ મંત્રીએ ત્રણે સેનાઓના વડાઓ અને એન.એસ.એ. અજીત દોવલ સાથે સઘન મંત્રણા કરી લીધી છે. રાજનાથ સિંહે પછી વડાપ્રધાનનાં નેતૃત્વ નીચેની કેબિનેટ કમિટી ઓન નેશનલ સિક્યુરીટીની બેઠકમાં સેનાઓના વડા તથા નેશનલ સિક્યુરીટી એડવાઈઝર સાથે થયેલી મંત્રણાની વિગતો રજૂ કરી હોય તે સહજ છે.