![]()
Strait of Hormuz Summit: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. મંજૂરી વગર હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતા જહાજો પર ઈરાન મિસાઈલોનો વરસાદ કરી રહ્યું છે અને તેમને દરિયાના તળિયે ડૂબાડી રહ્યું છે. આ સ્થિતિને કારણે વિશ્વભરના દેશો ચિંતામાં છે કે કેવી રીતે આ મહત્ત્વના માર્ગને ફરીથી ખોલવામાં આવે, જેથી વૈશ્વિક ઉર્જા સંકટમાંથી રાહત મળી શકે. આ દરમિયાન UKએ આ વ્યૂહાત્મક જળમાર્ગને ફરીથી ખોલવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની એક બેઠક ‘ગ્લોબલ હોર્મુઝ સમિટ’નું આયોજન કર્યું છે, જેમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. ભારતને પણ આ બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર સરકાર વતી વિદેશ સચિવ વિક્રમ મિસરી ભાગ લઈ રહ્યા છે.
શું આ બેઠક સફળ થશે?
હોર્મુઝ પર ચર્ચા માટેની આ મહત્ત્વપૂર્ણ બેઠકની પુષ્ટિ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યું હતું કે, ‘UKએ ભારત સહિત અનેક દેશોને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે અને વિદેશ સચિવ આ બેઠકમાં ભારત તરફથી વર્ચ્યુઅલ હાજરી આપશે.’ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ બેઠક સફળ થશે અને હોર્મુઝ ખોલવા અંગે કોઈ સહમતિ બનશે કે નહીં. જો આ માર્ગ ખુલી જાય તો વિશ્વભરમાં ઉર્જા સંકટ ઓછું થઈ શકે છે, કારણ કે યુદ્ધ અગાઉ વિશ્વનું 20 ટકા કાચું તેલ આ જ રસ્તેથી પસાર થતું હતું.
35 દેશો સાથે ‘ગ્લોબલ હોર્મુઝ સમિટ’નું આયોજન
મહત્ત્વનું છે કે ગઈકાલે બુધવારે બ્રિટનના વડાપ્રધાન સ્ટારમરે સ્પષ્ટ કર્યું હતું કે બ્રિટન ઈરાન યુદ્ધમાં સામેલ થશે નહીં. તેના બદલે, તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલાવવા માટે ‘ગ્લોબલ હોર્મુઝ સમિટ’ની યજમાની કરશે. સ્ટારમરે જણાવ્યું કે આ અઠવાડિયે બ્રિટનની યજમાનીમાં અંદાજે 35 દેશો સાથે બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં હોર્મુઝ ખોલાવવા અંગે ચર્ચા કરવામાં આવશે. સ્ટારમરે ચેતવણી આપી હતી કે ઈરાન યુદ્ધથી બ્રિટનનું ભવિષ્ય મોટા પાયે પ્રભાવિત થશે, પરંતુ સાથે જ ખાતરી આપી હતી કે તેમનો દેશ આ સંકટને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ પગલું અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદન બાદ લેવામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરવી તે અન્ય દેશોની જવાબદારી છે.
વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરશે બ્રિટન
બ્રિટનના વિદેશ મંત્રી યવેટ કૂપર આ વર્ચ્યુઅલ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે. આ બેઠકમાં ભારત, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, કેનેડા અને સંયુક્ત આરબ અમીરાત સહિત લગભગ 35 દેશો ભાગ લેશે, જેનો મુખ્ય હેતુ આ ક્ષેત્રમાં જહાજોની અવરજવરની સ્વતંત્રતા પુનઃસ્થાપિત કરવાનો છે. નોંધનીય છે કે આ બેઠકમાં અમેરિકા સામેલ થશે નહીં.
જેને ઓઇલ જોઈતું હોય તે હોર્મુઝ પર કબજો કરી લે: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘અમેરિકા હોર્મુઝ સ્ટ્રેટમાંથી લગભગ કોઈ તેલ લેતું નથી. અમને તેની જરૂર નથી. જે દેશોને હોર્મુઝથી તેલ મળે છે, તેમણે તે રસ્તાનું ધ્યાન રાખવું જોઈએ. તેમણે તેને સાંભળીને રાખવું જોઈએ અને તેની સુરક્ષા કરવી જોઈએ. જ્યારે અમે લોકોની મદદ માગી ત્યારે કોઈ ન આવ્યું. હવે અમે ચોખ્ખા શબ્દોમાં જણાવી દેવા માગીએ છીએ કે અમેરિકાની ઊર્જા જરૂરિયાતો મિડલ ઈસ્ટ પર નિર્ભર નથી. એટલે હવે જેને પણ ઓઇલ જોઈતું હોય તે અમારી પાસેથી ખરીદી લે કાં પછી જઈને હોર્મુઝ પર કબજો કરી લે જેથી તેમનું ઓઇલ તેમને મળી શકે.’
આ પણ વાંચો: ‘ઈઝરાયલ પ્રવાસ વખતે PM મોદીને ઈરાન પર હુમલાની જાણ હતી?’ જાણો સંસદમાં સરકારનો જવાબ
યુદ્ધની શરૂઆતથી જ UK વડાપ્રધાન સ્ટારમરે ઈરાન પર હુમલો કરવા માટે યુકેના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની અમેરિકાની વિનંતીઓને પણ ફગાવી દીધી હતી. જો કે પાછળથી આ વલણમાં થોડો ફેરફાર આવ્યો અને UKએ અમેરિકાને ઈરાન વિરુદ્ધ રક્ષણાત્મક હુમલાઓ માટે ચોક્કસ સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આમ છતાં, સ્ટારમર હજુ પણ એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે બ્રિટન યુદ્ધની સ્થિતિમાં નથી.










