Pahalgam Terror Attack: પહલગામમાં ક્રૂર આતંકી હુમલામાં નેવીના લેફ્ટનન્ટ વિનય નરવાલ શહીદ થયા હતાં. તેમની બહેન ભાઈના મોતથી ભાંગી પડી છે. તેણે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની પર પોતાનો રોષ ઢોળતાં કહ્યું હતું કે, મારો ભાઈ દોઢ કલાક સુધી જીવતો હતો, પરંતુ કોઈ મદદ માટે આવ્યુ નહીં. સેના ત્યાં સમયસર પહોંચી શકી નહીં.
ગઈકાલે કરનાલમાં વિનયના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા હતાં. વિનય નરવાલની બહેને તેમને અગ્નિદાહ આપ્યો હતો. પરિવાર સહિત સમગ્ર કરનાલમાં શોકની લાગણી છવાઈ છે. હજારો લોકો અંતિમ વિધિમાં જોડાયા હતાં. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની જ્યારે કરનાલમાં વિનય નરવાલના ઘરે પહોંચ્યા ત્યારે તેની નાની બહેને પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. સરકાર અને સેના પર આરોપ મૂકતાં સૈનીને કહ્યું કે, ‘કોઈ ન આવ્યું, દોઢ કલાક સુધી કોઈ મદદે ન આવ્યું. મારો ભાઈ જીવતો હતો, જો કોઈ મદદે આવ્યુ હોત તો તેનો જીવ બચી શકતો હતો. જો સેના સમયસર પહોંચી હોત તો તે બચી જતો.’
બહેને સૈની સમક્ષ પોતાના ભાઈના હત્યારાની મોતની માગ કરી હતી. તેણે કહ્યું કે, મને તે મરેલો જોઈએ, જેણે મારા ભાઈની હત્યા કરી. આ માગ પર જવાબ આપતાં નાયબસિંહ સૈનીએ જણાવ્યું કે, તે મરશે, જેણે વિનય નરવાલને માર્યો છે.
થોડી મિનિટોમાં મદદે દોડ્યાના દાવાઓ પોકળ?
વિનય નરવાલની બહેનનું નિવેદન સોશિયલ મીડિયા અને મીડિયા રિપોર્ટ્સમાં થઈ રહેલા મદદના દાવાઓને પોકળ ગણાવી રહ્યા છે. તેમાં દાવાઓ થઈ રહ્યા છે કે, હુમલાની થોડી જ ક્ષણોમાં સ્થાનિકો અને સુરક્ષા કર્મીઓ મદદે દોડી આવ્યા હતા. પરંતુ વિનય નરવાલની બહેને કહ્યું કે, દોઢ કલાક સુધી કોઈ મદદે આવ્યુ ન હતું. આ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા 28 લોકોના પરિજનો અત્યંત આક્રોશમાં છે. તેઓ સરકાર અને સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યા છે.
ધર્મ પૂછીને ગોળી મારી
લેફ્ટનન્ટ વિનયની પત્ની હિમાંશીએ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, હું ભેળ ખાઈ રહી હતી, મારા પતિ પણ મારી સાથે હતાં. ત્યાં એક વ્યક્તિ આવ્યો અને પૂછ્યું કે, તમે મુસ્લિમ છો? મારા પતિએ ઈનકાર કર્યો તો તે વ્યક્તિએ તુરંત તેમના પર ગોળી ધરબી દીધી હતી. લેફટનન્ટ વિનય કંઈ પણ સમજે તે પહેલાં જ ગોળી મારી દીધી હતી.