![]()
વડોદરા : કરોડો રૃપિયાના બેંકિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં
સંડોવાયેલા બેંક કર્મચારીએ તેને ગુનામાંથી મુક્ત કરવામાં આવે તે માટે ડિસ્ચાર્જ
અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું
હતું કે,
આરોપી વિરુદ્ધ છેતરપિંડી સહિતના જે આક્ષેપો છે તેના પુરાવા જણાઇ
રહ્યાં છે અને તપાસના કાગળો જોતા આરોપીની ગુનમાં સક્રિય સંડોવણી હોવાનું જણાય છે.
કેસની વિગત એવી છે કે, આરોપી પ્રશાંત યોગાનંદી એક્સિસ બેંકમાં નોકરી
કરતો હતો. તેણે અન્ય ફરાર આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને સેબીમાં
રજીસ્ટર ન હોય તેવી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન દ્વારા રોકાણકારોને આકર્ષ્યા હતા. તપાસમાં
ખુલવા પામ્યું હતું કે, આરોપીએ મહાદેવ એન્ટરપ્રાઇઝ નામના બંધ
બેંક ખાતાનો દુરુપયોગ કરી કુલ રૃા. ૨.૯૩ કરોડનું આથક કૌભાંડ આચર્યું હતું, જેમાં તેને રૃા.૨.૫૦ લાખનું કમીશન મળ્યું હતું.
આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી પ્રશાંતે તેની વિરુદ્ધ
નોંધાયેલા ગુનામાંથી તેને બીનતહોમત છોડી મુકવામાં આવે તે માટે કોર્ટમાં ડિસ્ચાર્જ
અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણીમાં બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે આરોપી
માત્ર પગારદાર કર્મચારી હતો અને તેની સામેના આક્ષેપો પાયાવિહોણા છે. જ્યારે મુખ્ય
સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આ એક ગંભીર આથક ગુનો છે જેમાં નિર્દોષ લોકોએ
પોતાની મુડી ગુમાવી છે અને આ સમગ્ર મામલો
હવાલા કૌભાંડ તરફ ઇશારો કરે છે.
ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર પ્રશાંત
યોગાનંદીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, ચાર્જફ્રેમ
કરવાના તબક્કે માત્ર એટલું જ જોવાનું હોય છે કે આરોપી વિરુદ્ધ કેસ ચલાવવા માટે
પૂરતા પ્રથમ દર્શનીય પુરાવા છે કે કેમ. આ તબક્કે પુરાવાઓનું
ઉંડાણ-પૂર્વકનું મૂલ્યાંકન અસ્થાને છે. અદાલતે ડિસ્ચાર્જ અરજી રદ કરી આરોપીને
કેસની ટ્રાયલનો સામનો કરવા આદેશ આપ્યો છે.










