Gold Demand On Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર્વ નિમિત્તે સોના-ચાંદીની ખરીદીની વર્ષો જૂની પરંપરા પર મોંઘવારીનું પાટુ પડ્યું છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ અને આર્થિક મંદીની ભીતિ વચ્ચે સોનું છેલ્લા ચાર માસમાં જ રૂ. 20,300 મોંઘુ થયું છે. સોનાનો તોલાદીઠ ભાવ એક લાખની સપાટીએ પહોંચી જતાં આ વર્ષે ઘરાકી નહિંવત્ત જોવા મળશે. સોનાના ઊંચા ભાવોના કારણે એડવાન્સ બુકિંગનું પ્રમાણ માંડ 5-10 ટકા જોવા મળ્યું છે.
સોની બજારમાં ઘરાકીનો અભાવ
વૈશ્વિક પરિબળોના કારણે છેલ્લા ચાર મહિનાથી જ કિંમતી ધાતુમાં તેજી જોવા મળી છે. જેના લીધે છેલ્લા ચાર માસમાં સોનું રૂ. 20300 જ્યારે વાર્ષિક ધોરણે રૂ. 24500 મોંઘુ થયું છે. અમદાવાદ ચોક્સી મહાજનના જણાવ્યા પ્રમાણે, સોનાના અત્યંત ઊંચા ભાવોના કારણે નવી ઘરાકી જોવા મળી નથી. આ વર્ષે અક્ષય તૃતીયામાં સોનાની ખરીદી 50-60 ટકા ઘટશે. આજે પણ સોનાની કિંમત રૂ. 1000 ઉછળી રૂ. 99000 પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી. 22 એપ્રિલના રોજ અમદાવાદમાં સોનું રૂ. 101500 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું હતું. આવતીકાલે અખાત્રીજ (અક્ષય તૃતીયા) હોવા છતાં 70થી 80 ટકા જ્વેલર્સમાં નવી ખરીદી કરનારાઓએ કોઈ એડવાન્સ બુકિંગ કરાવ્યા નથી. જો કે, જૂના ગ્રાહકો વેચાણ કરી પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં પોતાનો માલ પહોંચતો કરવા ચીનની કંપનીઓ દ્વારા ભારતના નિકાસકારોને કમિશનની ઓફર
ચાંદીમાં પણ ખરીદી નહિંવત્ત
અખાત્રીજના દિવસે સોના ઉપરાંત ચાંદી ખરીદવાનું મહત્ત્વ છે. સામાન્ય રીતે જે લોકો સોનું ખરીદવા સક્ષમ નથી હોતા, તે ચાંદીની ખરીદી કરતાં હોય છે. પરંતુ આ વર્ષે ચાંદી અને સોનાના ભાવ એકસમાન ચાલી રહ્યા છે. ચાંદી પણ આજે રૂ. 98000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. જેના પગલે મધ્યમવર્ગના લોકો ચાંદીની ખરીદીમાંથી પણ બાકાત રહેશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ચાંદી રૂ. 18000 મોંઘી થઈ છે. જેથી આવતીકાલે અખાત્રીજ પર્વમાં સોના-ચાંદીની માગ 40થી 45 ટકા ઘટવાની શક્યતા છે.
આ પરિબળોથી સેફહેવનમાં આવી તેજી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફવૉર અને ટ્રેડવૉરના કારણે સોના-ચાંદીના ભાવોમાં અચાનક ઉછાળો આવ્યો છે. જિઓ પોલિટિકલ ક્રાઈસિસે પણ કિંમતી ધાતુના ભાવોમાં તેજી લાવી છે. ડોલર ઈન્ડેક્સ આ વર્ષની શરૂઆતથી અત્યારસુધીમાં 9 ટકા સુધી તૂટ્યો છે. જે છેલ્લા બે વર્ષના તળિયે પહોંચ્યો છે. જેથી સોના-ચાંદીમાં સંસ્થાકીય ખરીદી વધી હતી. વિશ્વની સેન્ટ્રલ બેન્કોએ પણ સોનાની ખરીદી વધારતાં ભાવમાં સતત ઉછાળો નોંધાયો છે.