![]()
વડોદરા, તા.30 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી ચૂંટણી બાદ મતગણતરી દરમિયાન ૧૯ વોર્ડના કુલ ઉમેદવારો સામે ૨૯ એવા ઉમેદવારો હતા જેમને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે. ટૂંકમાં આ ઉમેદવારો કરતા તો નોટાએ વધુ મત મેળવી લીધા હતાં.
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ૪૧૬ ઉમેદવારો દ્વારા કુલ ૪૭૩ ઉમેદવારીપત્રો ભરાયા હતાં. આ ફોર્મની સંખ્યા સામે ચકાસણી દરમિયાન ૨૦૬ ફોર્મ અમાન્ય ઠર્યા હતા જ્યારે ૨૬૭ ફોર્મ માન્ય રહ્યા હતાં. જ્યારે ૭ ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાતા બે બેઠક બિનહરીફ જાહેર થઇ હતી જેથી ૭૪ બેઠકો પર યોજાનારી ચૂંટણી માટે મેદાનમાં કુલ ૨૫૮ ઉમેદવારો રહ્યા હતાં. તા.૨૬ના રોજ મતદાન અને તા.૨૮ના રોજ મતગણતરી યોજાઇ હતી.
મતગણતરી દરમિયાન રસપ્રદ આંકડાઓ બહાર આવી રહ્યા છે. ચૂંટણી મેદાનમાં ઊભા રહેલા કુલ ૨૫૮ ઉમેદવારો પૈકી ૨૯ ઉમેદવારો એવા છે જેમને જે તે વોર્ડમાં નોટાના મત કરતા પણ ઓછા મત પ્રાપ્ત થયા છે. કુલ ૧૯ વોર્ડમાં પાંચ વોર્ડ એવા છે કે જેમાં નોટા કરતા દરેક ઉમેદવારોએ વધારે મત મેળવ્યા છે જ્યારે સૌથી વધુ વોર્ડ-૧૨માં ૬ ઉમેદવારોએ નોટા કરતા પણ ઓછા મત પ્રાપ્ત કર્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જે ઉમેદવારોને નોટા કરતા પણ ઓછા મત મળ્યા છે તેમાં ૧૪ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે જ્યારે ૧૧ આપના ઉમેદવારોને પણ નોટા કરતા ઓછા મત પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત એનસીપી(શરદ પવાર) પક્ષના એક ઉમેદવાર, ભારતનો સામ્યવાદી પક્ષ(માર્ક્સવાડી)નો એક, બીએસપીનો એક અને ઓલ ઇન્ડિયા મજલીસ એ એતીહાદુલ મુસ્લિમીન પક્ષના એક ઉમેદવારનો સમાવેશ થાય છે.










