![]()
Jabalpur Cruise Tragedy: મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં આવેલા બરગી ડેમમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં બચાવ કામગીરી દરમિયાન એક એવું દ્રશ્ય સામે આવ્યું જેને જોઈને કઠણ કાળજાના બચાવકર્મીઓ અને હાજર રહેલા કેબિનેટ મંત્રી રાકેશ સિંહની સાથે સૌ કોઈની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
માતા અને પુત્રના કરુણ મોત
બચાવ દળના ગોતાખોરો જ્યારે ડૂબેલા ક્રૂઝની અંદર તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ મહિલાએ તેના 4 વર્ષના દીકરાને પોતાની છાતી સરસો એટલી મજબૂતીથી જકડી રાખ્યો હતો કે બચાવ ટુકડી માટે બંનેને અલગ કરવા મુશ્કેલ બન્યા હતા. અંતિમ શ્વાસ સુધી પોતાના બાળકને બચાવવાનો માતાનો આ પ્રયાસ જોઈને ત્યાં હાજર દરેક વ્યક્તિ ભાવુક થઈ ગઈ હતી.
બચાવ કામગીરીમાં ભારે અવરોધો
આગ્રાથી આવેલી અર્ધસૈનિક દળની ગોતાખોર ટીમે જણાવ્યું કે ક્રૂઝની અંદરની સ્થિતિ અત્યંત પડકારજનક હતી. ઓછી વિઝિબિલિટીને કારણે પાણીની અંદર જોવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ક્રૂઝનું માળખું ધરાશાયી થવાને કારણે અંદરના રસ્તા અત્યંત સાંકડા થઈ ગયા હતા, જ્યાં હથોડા વડે રસ્તો બનાવવો પડ્યો હતો. લોખંડના સળિયા અને કાટમાળમાં એક ગોતાખોર પોતે પણ ફસાઈ ગયો હતો, જેને મહામુસીબતે બચાવવામાં આવ્યો હતો.
દુર્ઘટનાની વિગતો
ગુરુવારે સાંજે આવેલા વાવાઝોડાને કારણે ક્રૂઝ પલટી જતાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. કુલ 22 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. અહેવાલો મુજબ, ભારે પવન હોવા છતાં ક્રૂઝ ચાલકે ચેતવણી માની ન હતી અને મુસાફરો પાસે લાઇફ જેકેટ પણ ન હતા. અત્યાર સુધીમાં અર્ધસૈનિક દળની ટીમે ડેમમાંથી 5 મૃતદેહો બહાર કાઢ્યા છે, જેમાં એક બાળક અને ચાર વયસ્કોનો સમાવેશ થાય છે.










