![]()
Instagram Blocks Rahul Gandhi & Vijay’s Viral Reel: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા અભિનેતા વિજયની મુલાકાતની સોશિયલ મીડિયા પોસ્ટ બ્લોક થવાને લઈને મોટો વિવાદ સર્જાયો છે. કોંગ્રેસે આ મામલે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે, જ્યારે સરકારે આ આરોપોને નકારી કાઢ્યા છે.
રાહુલ ગાંધી અને વિજયની વાઇરલ પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર બ્લોક થઈ
કોંગ્રેસે રવિવારે દાવો કર્યો હતો કે, ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY)ના નિયમોને કારણે ઈન્સ્ટાગ્રામ દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીની એ પોસ્ટ અને રીલને ‘બ્લોક’ કરી દેવામાં આવી હતી, જેમાં તેઓ અભિનેતા-રાજનેતા વિજય સાથે જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી રવિવારે ચેન્નાઈમાં વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા અને બાદમાં તેમણે આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે, વિવાદ બાદ હવે આ પોસ્ટ ફરીથી રિસ્ટોર કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના ગંભીર આરોપ: ‘વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ’
રાહુલ ગાંધીના સહયોગી શ્રીવત્સે સોશિયલ મીડિયા પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, રાહુલ ગાંધી અને વિજયની આ રીલને માત્ર એક કલાકમાં 1.2 કરોડ (12 મિલિયન) વ્યૂઝ મળ્યા હતા અને તેમની ફોટો પોસ્ટ 4.6 કરોડ (46 મિલિયન) લોકો સુધી પહોંચી ગઈ હતી. આટલી મોટી સફળતા છતાં મેટા કંપનીએ કોઈ પણ કારણ આપ્યા વગર એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ કોઈ નવી વાત નથી, લાંબા સમયથી રાહુલ ગાંધીના X એકાઉન્ટ, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર લોકો સુધી પહોંચવાના વ્યાપને જાણીજોઈને રોકવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના મતે, આ ટેકનિકલ ખામી નથી પરંતુ વિપક્ષના નેતાનો અવાજ જનતા સુધી પહોંચતો રોકવાનું એક સુનિયોજિત કાવતરું છે.
કેરળ કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
કેરળ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, સરકારની અસુરક્ષા હવે હદ વટાવી ગઈ છે. જ્યારે પણ બે લોકપ્રિય નેતાઓની મુલાકાતનો વીડિયો વાઇરલ થાય છે, ત્યારે અચાનક ‘ટેકનિકલ ખામી’ના નામે તેને રોકી દેવો એ સત્તાનો ખુલ્લો દુરુપયોગ છે. કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, સરકાર ભલે ટીવી કે અખબારો જેવા મુખ્યધારાના મીડિયાને કાબૂમાં રાખતી હોય, પરંતુ સોશિયલ મીડિયા પર જનતાનો જે અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે તેનાથી તે ગભરાઈ ગઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, પણ તે વાસ્તવિકતા પર ‘શેડો બેન’ લગાવી શકશે નહીં.
આ પણ વાંચો: કંઇક મોટું થવાનું છે? PM મોદીની અપીલ બાદ હરદીપ પુરીએ કહ્યું – કંપનીઓને 1 લાખ કરોડનું નુકસાન
સરકારી સૂત્રોનો ખુલાસો: ‘આંતરિક સિસ્ટમની ભૂલ હતી’
બીજી તરફ, ભારત સરકારના આઈટી મંત્રાલય (MeitY) એ કોંગ્રેસના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. મંત્રાલયના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધીની પોસ્ટ બ્લોક કરવા પાછળ સરકારનો કોઈ હાથ નથી. તેમના જણાવ્યા અનુસાર, ઇન્સ્ટાગ્રામની પોતાની આંતરિક સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે આ પોસ્ટ ભૂલથી ફ્લેગ થઈ ગઈ હતી અને બ્લોક થઈ હતી. સરકારે ભારપૂર્વક જણાવ્યું છે કે વિપક્ષના નેતા પર કોઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, આ માત્ર એક સામાન્ય ટેકનિકલ ક્ષતિ હતી, જેને હવે સુધારી લેવામાં આવી છે.










