![]()
મોંઘવારીનું વિષચક્રઃ ખાદ્યતેલ, ગેસ, થાળી, ફાફડાં-ફરસાણ… : પોલીથીન થેલીથી માંડીને ગેસના ભાવ વધારાથી પડતર ઉંચી જવાનું કારણ અપાયું : આજથી ભાવવધારાનો અમલ
રાજકોટ, : ભારતની વસ્તી કરતા ત્રીજા ભાગથી ઓછી વસ્તી ધરાવતા અમેરિકા,ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુધ્ધની વધુ ગંભીર માઠી અસરો હવે દેશમાં અનેક ક્ષેત્રોમાં વર્તાવા લાગી છે. રાજકોટ ડેરીએ યુધ્ધ પૂરૂ થવાની રાહ જોઈને બાકી રાખેલો ભાવ વધારો હવે લોકો પર ઝીંકી દીધો છે. દૂધમાં પ્રતિ લિટરે રૂ।. 2 તથા દહીંમાં પ્રતિ કિલોએ રૂ।. 3નો વધારો ઝીંકાયો છે જેનો અમલ આવતીકાલ તા. 14-5-2026 થી થશે. આ ભાવ વધારાથી માત્ર રાજકોટવાસીઓ ઉપર રોજનો રૂ।. 6થી 7 લાખનો બોજો આવશે.
રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અર્થાત્ રાજકોટ ડેરી દ્વારા શહેરમાં રોજ 3.25 લાખ લિટરથી વધુ દૂધનું અને 30000થી 35000 કિલો દહીનું વેચાણ થાય છે. સઘના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આમ તો અમે માર્ચમાં જ આ ભાવ વધારવાનું વિચારતા હતા પરંતુ, યુધ્ધ અટકી જશે અને અસરો નહીં થાય તેવી આશાએ ભાવ વધારાયો ન્હોતો. હવે ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા કોમર્શીયલ ગેસ, દૂધના પેકીંગ માટે વપરાતી પોલીથીન બેગ સહિત દરેક ચીજવસ્તુના ભાવમાં વધારો થયો છે જેના પગલે આ નિર્ણય લેવાયો છે.
આ અંગે રાજકોટ ડેરીના ડિસ્ટ્રીબ્યુટર્સને આજે પરિપત્ર જારી કરી દેવાયો છે જેમાં (1) અમુલ તાજા રૂ।. 315થી વધારીને રૂ।. 349 (2) અમુલ ગોલ્ડના રૂ।. 396થી વધારીને રૂ।. 420 (3) ભેંસના દૂધના રૂ।. 393થી વધારીને રૂ।. 432 (4) અમુલ મસ્તી દહીંના કેરેટના 365થી વધારીને રૂ।. 390 અને (5) છાશના ભાવ પણ રૂ।. 174થી વધારીને રૂ।. 180 કરાયા છે. સહકારી ડેરીના પગલે તેથી બમણા દૂધ-દહીંનું વેચાણ કરતા ખાનગી ડેરી સંચાલકો પણ ભાવ વધારે તેવી શક્યતા છે.










