![]()
મોટી ખાવડી નજીક ફિલ્મી ઢબે 3 સ્થાનિક શખ્સોની દાદાગીરી : ‘ગેસ ભરવા જવું હોય તો રૂપિયા આપવા પડશે’ કહી કાગળો પડાવી લીધાઃ સરકારી ઓઈલ કંપની બીપીસીના ચિફ મેનેજરની ફરિયાદ
જામનગર, : મોટી ખાવડી નજીક એલ.પી.જી. ભરવા માટે જઇ રહેલા 102 ખાલી ટેન્કરોને મોટી ખાવડી નજીક 3 શખ્સોએ રોકી ચાલકો અને ક્લીનરોને નીચે ઉતારી ‘તમે ટેન્કરોમાં જશો તો તમારા ટાટીયા ભાંગી નાખીશુ’ તેમ કહી ટેન્કરો સળગાવી દેવાની પણ ધમકી આપી કાગળો તથા રૂા. 2,000 પડાવી લીધા હતાં. આ અંગે મોઘપર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મોટી ખાવડી ટાઉનશીપ સ્પોર્ટ ઓફિસ બિલ્ડીંગમાં રહેતાં ભારત પેટ્રોલીયમ કંપનીના ચીફ મેનેજર સંધિલ કૃષ્ણમૂર્તિએ કિશોરસિંહ જાડેજા, જુવાનસિંહ અને મહેન્દ્રસિંહ (રહે. મોટી ખાવડી ગામ) વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ કાલે સાપર પાસે આવેલ મેટલ ક્રાફટ પે એન્ડ પાર્કના પાર્કિંગમાંથી ખાલી 102 ટેન્કરો તેમજ એલ.પી.જી. ટેન્કરોને મોટી ખાવડી રીલાયન્સ કંપનીમાં એલ.પી.જી. ભરવા માટે રવાના કર્યા હતાં. દરમિયાન મોટી ખાવડી નજીક એક હોટલ પાસે આરોપીઓએ ટેન્કરોને રોકી ચાલક અને ક્લિનરને નીચે ઉતારી ગાળો ભોડી હતી.
બાદમાં ત્રણ ટેન્કરના ચાલકો પાસેથી બીલ્ટી-ડીઓ લેટર સહિતના કાગળો લઇ લીધા હતાં. એટલું જ નહીં ક્લિનરોને ટાટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ચાલકોને પણ જો ટેન્કરો લઇને ખાવડી રોડ પર આવે તો ટેન્કરને સળગાવી દેવાની ધમકી આપી હતી. એલ.પી.જી. ગેસ ભરવા જવુ હોય તો રૂપિયા આપવા પડશે, નહિતર ગેસના ટેન્કર સાથે જીવતા સળગાવી દઇશું તેવો ભય બતાવી રૂા. 2,000 પડાવી લીધા હતાં. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










