![]()
Gurugram Railway Accident: ગુરુગ્રામના ગઢી હરસરુ અને બસઈ રેલવે સ્ટેશન વચ્ચે શુક્રવાર સાંજે એક અત્યંત આઘાતજનક અને હૃદયદ્રાવક દેનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 47 વર્ષીય મહિલાએ પોતાના જવાન દીકરાની નજર સામે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ટ્રેનની સ્પીડ એટલી વધારે હતી કે, મહિલાના શરીરના ફુરચા ઉડી ગયા હતા. જે રેલવે ટ્રેક પર આશરે 1 કિલોમીટર દૂર સુધી ફેલાઈ ગયા હતા. આ ભયાનક દ્રશ્ય જોઈને દીકરો અને ત્યાં હાજર લોકો આઘાતમાં સરી પડ્યા હતા.
લોકો પાઇલટે કંટ્રોલ રૂમને કરી જાણ
મૃતક મહિલાની ઓળખ 47 વર્ષીય સવિતા તરીકે થઈ છે. રેલવે પોલીસ (GRP) ના જણાવ્યા અનુસાર, શુક્રવારે સાંજે દિલ્હીથી જેસલમેર જઈ રહેલી સ્વર્ણ નગરી એક્સપ્રેસ ગુરુગ્રામ સ્ટેશનથી રવાના થઈને રેવાડી તરફ જઈ રહી હતી. ટ્રેન જ્યારે બસઈ અને ગઢી હરસરુ વચ્ચે પહોંચી ત્યારે સવિતા અચાનક ટ્રેનની સામે આવી ગઈ હતી. ટ્રેનના લોકો પાઇલટે તરત જ કંટ્રોલ રૂમને જાણ કરી, ત્યારબાદ જીઆરપીની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ક્ષત-વિક્ષત થયેલા મૃતદેહના ભાગોને એકત્ર કરી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.
આ પણ વાંચો : ‘મને ગુલામની જેમ રખાયો..’, ચોધાર આંસુએ રડ્યા તમિલ સુપરસ્ટાર જયમ રવિ, છૂટાછેડા સુધી સિનેમા છોડવાની કરી જાહેરાત
આત્મહત્યા પાછળનું કરુણ કારણ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, સવિતાના પતિનું માત્ર ચાર મહિના પહેલા જ કેન્સરના કારણે અવસાન થયું હતું. પતિના નિધન બાદથી જ સવિતા ઊંડા આઘાતમાં હતી અને માનસિક રીતે ખૂબ પરેશાન રહેતી હતી. આ જ માનસિક તણાવ અને ડિપ્રેશનના કારણે તેણે શુક્રવારે સાંજે પોતાના 22 વર્ષના દીકરાની સામે આ પગલું ભરી લીધું. દીકરો તેને બચાવવા માટે કઈક પગલું ભરે કે રોકે, તે પહેલા જ બધું ખતમ થઈ ગયું હતું. પોલીસ હાલમાં આ મામલે પરિવારના અન્ય સભ્યો અને દીકરાની પૂછપરછ કરી રહી છે.
બીજી ઘટના: પ્લોટના વિવાદમાં સાસુ પર કાર ચઢાવી, દીકરાઓ પર ચાકુથી હુમલો!
ગુરુગ્રામના હરિ નગર વિસ્તારમાંથી પણ એક સળગતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર ૩૦ ચોરસ વારના પ્લોટના વિવાદમાં વહુના પિયરિયાઓ દ્વારા સાસુ અને જેઠ-દિયર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. હુમલાખોરોએ સાસુને જાનથી મારી નાખવાના ઈરાદાથી તેમના પર કાર ચઢાવી દીધી હતી, જેના કારણે મહિલાના પગમાં ફ્રેક્ચર થયું છે. આટલું જ નહીં, આરોપીઓએ દિયર પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હિંસક મારામારીમાં પીડિત મહિલાના બંને દીકરાઓ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુરુગ્રામના સેક્ટર-37 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.










