![]()
મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૬માં ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૧૭૦ ટકાથી વધુ વધી ૫૦.૨૦ લાખ ટન રહી હતી. જોકે ભારતને ખાતરના નિકાસકાર તરીકે રશિયાએ પ્રથમ ક્રમ જાળવી રાખ્યો હતો એમ વાણિજ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા પરથી કહી શકાય છે.
ગત નાણાં વર્ષમાં રશિયા ખાતેથી ફર્ટિલાઈઝરની આયાત વાર્ષિક ધોરણે ૩૫ ટકા વધી ૬૭.૧૦ લાખ ટન રહી હતી. સાઉદી અરેબિયા ખાતેથી આયાત ૨૨ ટકા કરતા વધુ વધી ૩૪.૩૦ લાખ ટન જ્યારે મોરોક્કો ખાતેથી ૯૮.૭૦ ટકા વધી ૨૭.૯૦ લાખ ટન અને ઓમાન ખાતેથી ૧૯.૧૦ લાખ ટન ખાતરની આયાત થઈ હતી. ઓમાન ખાતેથી આયાતમાં ૩૫ ટકા ઘટાડો નોંધાયો છે.
બીજી બાજુ ગત નાણાં વર્ષમાં સાઉદી અરેબિયા તથા ઈરાન ભારતના બાસમતિના બે મોટા ખરીદદાર દેશ રહ્યા હતા.
સાઉદી અરેબિયા ખાતે ૧૦.૫૦ લાખ ટન જ્યારે ઈરાન ખાતે ૧૦ લાખ ટન બાસમતિની નિકાસ થવા પામી હતી. આ ઉપરાંત ઈરાક તથા યુએઈ પણ ભારતના બાસમતિના ખરીદદાર રહ્યા છે.
ગત નાણાં વર્ષની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષમાં અખાતી દેશોમાં બાસમતિની નિકાસ નબળી રહેવાની શકયતા નકારાતી નથી. પશ્ચિમ એશિયા તંગદિલીને કારણે જહાજોની અવરજવર પર અસર પડતા ભારત ખાતેથી અખાતી દેશોમાં નિકાસ ખોરવાઈ ગઈ છે.










