![]()
Ahmedabad News : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધોળા દિવસે એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા શખ્સે વેપારીની નજર ચૂકવીને રૂ. 1.50 લાખની કિંમતના સોનાના કડાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. જોકે, ચોરી કર્યા બાદ તે સીધો રાજકોટ ભાગી ગયો હતો. જ્યાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે.
પહેલા રેકી કરી, ત્રીજી મુલાકાતે હાથફેરો કર્યો
ઘાટલોડિયામાં રહેતા અને નારણપુરા ટેલિફોન એક્સચેન્જ પાસે જ્વેલર્સની દુકાન ચલાવતા 48 વર્ષીય કેતનકુમાર રમણલાલ પટેલે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ચોરની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. 7 અને 8 મેએ આ અજાણ્યો શખ્સ સોનાની વીંટી અને ચેઇન ખરીદવાના બહાને દુકાને આવ્યો હતો. વેપારીનો વિશ્વાસ જીતવા ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને બેંક ડિટેલ્સ પણ લઈ ગયો હતો. 14 મે (બપોરે 01.21 વાગ્યે તે ત્રીજી વખત મોકો જોઈને દુકાને આવ્યો. તેણે પહેલાં જોયેલી વીંટી બતાવવા કહ્યું અને પછી સોનાની ચેઇન જોવાની માંગણી કરી.
આ પણ વાંચો : ‘રોમમાં તમારું સ્વાગત છે…’ ઈટાલી પહોંચતા જ PM મોદી અને મેલોનીની નવી સેલ્ફી વાઈરલ
માત્ર થોડી સેકન્ડોમાં ખેલ પાડી દીધો
જ્યારે દુકાનદાર કેતનભાઈ ચેઇન લેવા માટે પાછળ સેફ લોકર તરફ વળ્યા, ત્યારે આ શખ્સે મોકાનો ફાયદો ઉઠાવ્યો હતો. વજન કાંટાની ડિસ્પ્લે પર એક મહિલા ગ્રાહકે રિપેરિંગ માટે આપેલું 11.230 ગ્રામ વજનનું (કિંમત આશરે રૂ. 1,50,000) સોનાનું કડું પડ્યું હતું, જે ચોરે સેકન્ડોમાં ગજવે નાખી દીધું હતું. વેપારી પાછળ દોડ્યા પણ ચોર ભાગી છૂટ્યો હતો. ચોર કડું લઈને જેવો દુકાનની બહાર ભાગ્યો કે તરત જ કેતનભાઈને ખબર પડી ગઈ હતી. તેઓ ચોર-ચોરની બૂમો પાડી તેની પાછળ દોડ્યા, પરંતુ ચોર ચાલાકીપૂર્વક રોડ ક્રોસ કરીને પલ્લવ ચાર રસ્તા તરફ ભાગવામાં સફળ રહ્યો હતો.
વતનમાં લગ્ન હોવાથી ફરિયાદમાં વિલંબ, પણ અંતે ચોર જેલભેગો
આ ઘટના 14 મેના રોજ બની હતી, પરંતુ ફરિયાદી કેતનભાઈના વતનમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ ત્યાં ગયા હતા. પ્રસંગ પતાવીને પરત ફર્યા બાદ તેમણે 19 મેના રોજ સાંજે ઘાટલોડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે કાર્યવાહી શરૂ કરી
ઘાટલોડિયા પોલીસે જણાવ્યું કે, ચોરી કર્યા બાદ આ શખ્સ સીધો રાજકોટ ભાગી ગયો હતો. જોકે, સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો છે. હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ ઘાટલોડિયા પોલીસ તેનો કબ્જો મેળવી અમદાવાદ લાવશે.







