![]()
મુંબઈ : ઈરાન યુદ્વનો ટૂંક સમયમાં અંત લાવવાના ટ્રમ્પના નિવેદન અને અમેરિકી ડોલર સામે રૂપિયો નબળો પડતો અટકીને ૬૪ પૈસા ઉછળીને ૯૬.૧૯ થઈ જવા સાથે ભારતીય શેર બજારોમાં પણ આજે ટ્રેડિંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. લોકલ ફંડોની કેપિટલ ગુડઝ-પાવર શેરો તેમ જ હેલ્થકેર-ફાર્મા, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં મજબૂત ખરીદી થઈ હતી. પરંતુ દેશમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં પાંચ દિવસમાં સતત બીજા વધારા અને હજુ હોર્મુઝ માર્ગે ક્રુડનો પુરવઠો અટવાયેલો હોઈ દેશમાં આગામી દિવસોમાં ઈંધણની અછતની શકયતાના પરિણામે ભાવમાં વધુ વધારો શક્ય હોઈ અને ચાલુ વર્ષે ચોમાસું પણ સામાન્યથી નબળું રહેવાના અંદાજોએ મોંઘવારી માઝા મૂકે એવી પૂરી શકયતાને જોતાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ફુગાવાને અંકુશમાં રાખવાના પ્રયાસમાં રેપો રેટમાં વધારો કરવાની શકયતાના અહેવાલોએ આજે શેરોમાં ઉછાળે આંચકા આવ્યા હતા. સેન્સેક્સ આરંભમાં ૬૨૭.૪૦ પોઈન્ટ વધીને ઉપરમાં ૭૫૯૪૫.૭૯ સુધી પહોંચ્યા બાદ વધ્યામથાળે પાછો ફરીને નીચામાં ૭૪૯૯૬.૭૮ સુધી આવી અંતે ૧૩૫.૦૩ પોઈન્ટ ઘટીને ૭૫૧૮૩.૩૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઉપરમાં ૨૩૫૯૬.૬૦ સુધી જઈ પાછો ફરી નીચામાં ૨૩૮૫૯.૯૦ સુધી આવી અંતે ૪.૩૦ પોઈન્ટ ઘટીને ૨૩૬૫૪.૭૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૯૬ પોઈન્ટ વધ્યો
ભારતમાં ન્યુક્લિયર પાવર ક્ષેત્રે રિલાયન્સ, અદાણી ગુ્રપ સહિત દ્વારા જંગી મૂડી રોકાણ કરવાની યોજનાએ આજે સતત બીજા દિવસે પાવર-કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ મોટી ખરીદી ચાલુ રાખી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૯૫.૫૦ વધીને રૂ.૧૨,૮૫૭.૩૫, વારી એનજીૅ રૂ.૫૦.૩૫ વધીને રૂ.૩૦૫૬.૫૫, ટીમકેન રૂ.૫૨.૪૦ વધીને રૂ.૩૭૦૯.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૯૬.૪૨ પોઈન્ટ વધીને ૭૮૨૭૪.૯૦ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં સિલેક્ટિવ ખરીદી
પેટ્રોલ, ડિઝલના ભાવ વધારા સામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં અને દેશમાં ઈંધણની અછત નહીં સર્જાવાના સરકારના આશ્વાસને ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા રૂ.૫૩.૬૦ વધીને રૂ.૧૮૪૪.૮૦, બજાજ ઓટો રૂ.૨૦૬.૧૫ વધીને રૂ.૧૦,૬૬૯.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૯૬.૫૭ પોઈન્ટ વધીને ૫૭૨૨૧.૬૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં મજબૂતી
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કલ્યાણ જવેલર્સ રૂ.૯.૩૫ વધીને રૂ.૩૫૨.૯૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૬૬.૧૫ વધીને રૂ.૧૧,૨૬૦.૧૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. મેપમાય ઈન્ડિયા રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૮૯૬.૦૫, ટાટા ટેકનોલોજી રૂ.૯.૮૫ ઘટીને રૂ.૬૬૪.૩૫ રહ્યા હતા.
મેટલ શેરોમાં ફંડો લેવાલ
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. લોઈડ્સ મેટલ રૂ.૫૯.૪૫ વધીને રૂ.૧૭૧૨.૮૦, હિન્દાલ્કો રૂ.૧૩.૧૦ વધીને રૂ.૧૦૯૯, નાલ્કો રૂ.૪.૧૫ વધીને રૂ.૪૦૬.૩૫, ટાટા સ્ટીલ રૂ.૧.૫૦ વધીને રૂ.૨૦૮.૫૫, એપીએલ અપોલો રૂ.૪.૧૦ વધીને રૂ.૧૮૬૦.૪૦ રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો વેચવાલ રહ્યા હતા. ફેડરલ બેંક રૂ.૬.૦૫ ઘટીને રૂ.૨૮૩.૮૦, યશ બેંક ૪૩ પસા ઘટીને રૂ.૨૧.૫૭, એયુ બેંક રૂ.૧૫.૧૫ ઘટીને રૂ.૯૫૯.૧૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨.૪૦ ઘટીને રૂ.૩૮૦.૭૫ રહ્યા હતા.
DIIની રૂ.૧૯૬૮ કરોડના ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૮૯૧.૨૧ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૨૪૯૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી.
રોકાણકારોની સંપતિ વધી
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૦૬ લાખ કરોડ વધીને રૂ.૪૬૨.૧૧ લાખ કરોડ રહ્યું હતું.










