![]()
Udhayanidhi Stalin slams Congress: તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો આવી ગયો છે. ફિલ્મોના સુપરસ્ટારમાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેટ્ટરી કઝગમ’ (TVK)ની લઘુમતી સરકારને કોંગ્રેસે ટેકો આપ્યો છે. આ સમર્થનની સાથે જ દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK) અને કોંગ્રેસ વચ્ચેનું વર્ષો જૂનું ગઠબંધન હવે સત્તાવાર રીતે તૂટી ગયું છે. આ રાજકીય પલટાથી નારાજ થયેલા DMKના નેતા ઉદયનિધિ સ્ટાલિને કોંગ્રેસ પર અત્યાર સુધીનો સૌથી મોટો અને આકરો પ્રહાર કર્યો છે. એટલું જ નહીં, DMKની સત્તાવાર બેઠકમાં તો કોંગ્રેસ માટે ‘પીઠમાં છરો ભોંકનાર’ અને ‘લોહી ચૂસતી જળો’ જેવા અત્યંત આકરા શબ્દોનો ઉપયોગ કરીને પોતાનો ભારે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે.
‘કોંગ્રેસ પર ક્યારેય ભરોસો ન કરવો’ – ઉદયનિધિ સ્ટાલિનનો મોટો હુમલો
એક કાર્યક્રમમાં કાર્યકરોને સંબોધતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યું કે, ‘હવે પછી કોઈએ ભૂલથી પણ કોંગ્રેસ પર ભરોસો કરવો નહીં. તેમનામાં સામાન્ય વિવેક કે કૃતજ્ઞતા જેવું કંઈ છે જ નહીં. DMKના કાર્યકરોની રાત-દિવસની મહેનતના કારણે જ કોંગ્રેસના 5 ધારાસભ્યો ચૂંટણી જીતી શક્યા છે. જનતાએ એમ.કે. સ્ટાલિનને મુખ્યમંત્રી બનાવવા માટે વોટ આપ્યા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ સત્તા અને કેટલાક હોદ્દાઓની લાલચમાં આપણને કહ્યા વગર જ બીજા પક્ષ સાથે ભાગી ગયા. તમિલનાડુની જનતા આવનારા સમયમાં કોંગ્રેસના આ દગાનો બરાબરનો પાઠ ભણાવશે.’
દેશમાં ભાજપના ઉદય માટે પણ કોંગ્રેસ જ જવાબદાર!
ઉદયનિધિએ માત્ર તમિલનાડુ પૂરતું જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસને બરાબરની ઘેરી છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ‘અત્યાર સુધી હું એવું જ માનતો હતો કે દેશભરમાં ભાજપની જીત પાછળ પીએમ મોદી અને અમિત શાહની રણનીતિ છે. પરંતુ હવે એ સાબિત થઈ ગયું છે કે ભારતમાં ભાજપના આટલા મોટા ઉદય માટે અસલી જવાબદાર કોંગ્રેસ પોતે જ છે.’
આ પણ વાંચો: જયશંકરે રૂબિયો સામે ઉઠાવ્યો US વિઝાનો મુદ્દો! અમેરિકાના વિદેશમંત્રીનો જવાબ-અમારું નિશાન ભારત નથી!
આ અંગે ઉદયનિધિએ વધુમાં કહ્યું કે, ગત લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં અમારા નેતા એમ.કે. સ્ટાલિને કોંગ્રેસને આખા રાજ્યમાં પોતાના ખભા પર બેસાડીને વૈતરણી પાર કરાવી હતી, છતાં તેમણે આપણી જ પીઠમાં છરો ભોંક્યો છે. આ સાથે જ તેમણે પક્ષની યુવા પાંખના હોદ્દેદારોને ખાસ અપીલ કરી છે કે, તેઓ ઘરે-ઘરે જઈને પરિવારોમાં અને ખાસ કરીને સોશિયલ મીડિયા એક્ટિવ રહેતા નવા યુવા મતદારો (Gen Z) વચ્ચે રાજકીય જાગૃતિ લાવવાનું કામ ઝડપી કરે.
આ સરકાર લાંબો સમય નહીં ટકે, ગમે ત્યારે પડી જશે: એમ.કે. સ્ટાલિન
DMK પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ દાવો કર્યો છે કે વિજયની TVK સરકાર પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. તેમણે ગણિત સમજાવતા કહ્યું કે, તેમની પાસે 13 અને 107 મળીને કુલ 120 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે મોટો આંકડો બતાવવા માટે AIADMKને તોડવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા. આજે પણ આ સરકાર ‘દિવાલ પર બેઠેલી બિલાડી’ જેવી છે, જે ગમે ત્યારે પડી શકે છે.
ડાબેરીઓ અને અન્ય સાથી પક્ષો પણ પલટી માર્યા બાદ કેબિનેટમાં જોડાયા
એમ.કે. સ્ટાલિને અગાઉ પોતાના ગઠબંધનમાં રહેલા ડાબેરી પક્ષો (CPI, CPI(M)), VCK અને IUML પર પણ આકરા પ્રહારો કર્યા છે. આ પક્ષોએ શરૂઆતમાં વિજયની સરકારને બહારથી ટેકો આપવાની જાહેરાત કરી હતી, પરંતુ હવે તેઓ કેબિનેટ (મંત્રીમંડળ)માં જોડાઈ ગયા છે. સ્ટાલિને કટાક્ષ કરતા કહ્યું કે, ‘તેઓ સરકારમાં સામેલ થઈ ગયા છે, તેમને મારી શુભેચ્છાઓ. પણ આપણે થોડી ધીરજ રાખીને જોવું પડશે કે આગળ શું થાય છે. આ સરકાર પાંચ વર્ષ તો પુરા નથી જ કરવાની.’
આ પણ વાંચો: થોડા જ કલાકોમાં દુનિયાને મળશે સૌથી મોટી ગુડ ન્યૂઝ: દિલ્હીમાં અમેરિકાના વિદેશમંત્રી રૂબિયોનું નિવેદન
વિજયની સરકાર નવું રમકડું છે, લોકો ટૂંક સમયમાં કંટાળી જશે
અભિનેતા વિજયના શાસન પર કટાક્ષ કરતા એમ.કે. સ્ટાલિને એક રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘જેમ બાળકો નવું રમકડું જોઈને થોડા દિવસ બહુ ખુશ થાય છે અને પછી તેનાથી કંટાળીને પોતાના જૂના રમકડા તરફ પાછા ફરે છે, તેવું જ તમિલનાડુમાં પણ થશે. જનતા આ અભિનેતાના શાસનથી બહુ જલ્દી કંટાળી જશે અને બાળક જેમ પોતાની માતા પાસે પાછું ફરે, તેમ લોકો ફરી આપણી (DMK) પાસે જ આવશે.’
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VCK અને IUML વર્ષ 2019ની લોકસભા ચૂંટણીથી DMK ગઠબંધનનો હિસ્સો હતા. પરંતુ તાજેતરની રાજ્યની ચૂંટણીના પરિણામો બાદ, DMKના તમામ જૂના સાથી પક્ષો પલટી મારીને સુપરસ્ટાર વિજયની નવી પાર્ટીના પક્ષમાં જતા રહ્યા છે, જેના કારણે તમિલનાડુનું રાજકારણ અત્યારે ગરમાયું છે.










