Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર ઓપરેશન સિંદૂર હેઠળ એરસ્ટ્રાઇક કરી છે. હવે ભારતીય સેનાની આ કાર્યવાહી બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહનું નિવેદન સામે આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું કે, ‘કોઈ પણ યુદ્ધના પક્ષમાં નથી અને પાકિસ્તાને પોતાની બંદૂકો બંધ કરવાની જરૂર છે. વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાન ખુદ જવાબદાર છે. કારણ કે, આ સ્થિતિ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યાથી ઉત્પન્ન થઈ છે. આપણે પાકિસ્તાનમાં નાગરિક અને લશ્કરી ઠેકાણા સામે કાર્યવાહી નથી કરી, આપણે આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા છે. પરંતુ પાકિસ્તાન તરફથી ગોળીબાર થઈ રહ્યો છે. આપણા નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.’
અમે યુદ્ધ નથી ઇચ્છતા: ઓમર અબ્દુલ્લાહ
ઓમર અબ્દુલ્લાહે આગળ કહ્યું કે, વર્તમાન સ્થિતિ 22 એપ્રિલના પહલગામ હુમલાનું પરિણામ છે. તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર છે. આપણે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનો હતો.
કેન્દ્ર સરકારે ઘણા વર્ષોથી જમ્મુ અને કાશ્મીરનો નાશ કરનારાઓના કેમ્પો પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો. લશ્કરી અને નાગરિક મથકોને નહીં, પણ આતંકવાદી વિસ્તારોને નિશાન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
આ પણ વાંચો: 25 જ મિનિટમાં ‘આતંકવાદની ફેક્ટરી’ નષ્ટ, સેનાએ કઈ રીતે પાર પાડ્યું ઓપરેશન સિંદૂર, જુઓ દ્રશ્યો
ઓમર અબ્દુલ્લાહે આગળ કહ્યું કે, પાકિસ્તાન હવે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. અમે યુદ્ધ નથી ઇચ્છતા. અમે શાંતિથી રહેતા હતા. આની શરુઆત તેમણે કરી હતી. અમે ફરીથી સુધારો ઇચ્છીએ છીએ, પરંતુ પાકિસ્તાને પહેલા પોતાની બંદૂકો શાંત કરવી પડશે.
9 આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. ત્યારબાદ સેનાએ બુધવારે મોડી રાત્રે હવાઈ હુમલો કર્યો અને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો ખાતમો બોલાવ્યો છે.