![]()
Shivrajpur Beach Swimming Banned: જો તમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બ્લ્યુ ફ્લેગ બીચ શિવરાજપુર બીચ પર ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અર્થે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુપ્રસિદ્ધ બ્લ્યુ ફ્લેગ શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ માટે દરિયામાં નાહવા તથા સ્વિમિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
દરિયો તોફાની બનતાં વહીવટી તંત્રનો મોટો નિર્ણય
ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળે છે અને દરિયો અત્યંત તોફાની બનતો હોય છે. દરિયાના આ જોરદાર પ્રવાહને લીધે બીચ પર નહાવુ કરવું કે સ્વિમિંગ કરવું ભારે જોખમી સાબિત થઈ શકે તેમ છે. પ્રવાસીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મિની વાવાઝોડા સાથે તોફાની વરસાદ: અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી, વીજળી ગુલ થતાં અંધારપટ
5 કિલોમીટરના વિસ્તારમાં રહેશે પ્રતિબંધ
શિવરાજપુર બીચ લાઇટ હાઉસથી શરૂ કરીને શિવરાજપુર બીચના ખાડી-2 પોઇન્ટના છેડા સુધીનો વિસ્તાર. આશરે 5 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના વિસ્તારમાં નાહવા કે સ્વિમિંગ કરવા પર કડક પ્રતિબંધ રહેશે. વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલું આ જાહેરનામું આગામી 30મી જુલાઈ સુધી અમલમાં રહેશે.
નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કડક કાર્યવાહી
તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે શિવરાજપુર બીચ પર ફરવા આવતા પ્રવાસીઓએ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરતા પકડાશે, તો તે કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર ઠરશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.










