![]()
Andhra Pradesh Rajya Sabha elections: તમિલનાડુ ભાજપ (BJP)ના રાજકારણમાં આવેલા મોટા બદલાવની સીધી અસર પાડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં એનડીએ (NDA)ના બેઠકોના ગણિત પર પડી છે. એક મહત્ત્વના રાજકીય નિર્ણયમાં, ભાજપે આંધ્રપ્રદેશની પોતાની એક રાજ્યસભા બેઠક પરનો દાવો છોડી દીધો છે. અહેવાલો અનુસાર, આ બેઠક પહેલા તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈ માટે રાખવામાં આવી હતી, પરંતુ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દેતાં હવે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા બદલાઈ ગઈ છે.
આંધ્રપ્રદેશમાં એનડીએ નેતાઓની મહત્ત્વની બેઠક
આગામી રાજ્યસભા ચૂંટણી માટે બેઠકોની નવી વહેંચણીને આખરી ઓપ આપવા માટે ગુરુવારે અમરાવતી ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, જનસેના પાર્ટી (JSP)ના પ્રમુખ પવન કલ્યાણ અને ભાજપના પ્રદેશ નેતાઓ હાજર રહ્યા હતા.
બેઠકોની વહેંચણીની નવી ફોર્મ્યુલા
નવી ફોર્મ્યુલા અનુસાર, આંધ્રપ્રદેશમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની ચાર બેઠકોમાંથી ત્રણ બેઠકો તેલુગુ દેશમ પાર્ટી (TDP)ને ફાળવવામાં આવશે, જ્યારે બાકી બચેલી એક બેઠક જનસેના પાર્ટી (JSP)ને આપવામાં આવશે. અગાઉ નક્કી કરાયેલી ગોઠવણ મુજબ, ભાજપ અને જનસેનાને એક-એક બેઠક અને ટીડીપીને બે બેઠકો મળવાની સંભાવના હતી, પરંતુ હવે ભાજપની બેઠક પણ ટીડીપીના ખાતામાં ગઈ છે. આ સિવાય એનડીએના ઘટક પક્ષો વચ્ચે વધુ સારું તાલમેલ ઊભું કરવા માટે આ જ મહિનામાં તિરુપતિ, અમરાવતી અને વિશાખાપટ્ટનમમાં ત્રણ મોટી જાહેર સભાઓ યોજવાનું પણ નક્કી કરાયું છે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું
કે. અન્નામલાઈની વિદાય અને આગળની વ્યૂહનીતિ
રાજ્યસભાની બેઠકોની વહેંચણીમાં આ ફેરફાર પૂર્વ આઈપીએસ (IPS) અધિકારી કે. અન્નામલાઈના ભાજપમાંથી રાજીનામા અને તેમના રાજકીય ભવિષ્યને લીધે આવ્યો છે. અન્નામલાઈએ મંગળવારે (2 જૂન) નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નવીન સહિતના ટોચના નેતાઓ સાથે એક મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે નેતાઓને તમિલનાડુની રાજકીય પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું અને પક્ષ છોડવા પાછળના કારણો સ્પષ્ટ કરીને મૌખિક રીતે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.










