ATM Industries in Trouble Due to Lack of Cash: આર્થિક વ્યવહારોની લાઈફલાઈન ગણાતા ATM એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન પર અત્યારે એક મોટું સંકટ તોળાઈ રહ્યું છે. જો તમને પણ ખિસ્સામાં રોકડા રૂપિયા રાખવાની આદત હોય અથવા તો જો તમે ઈમરજન્સીમાં ATM ના ભરોસે રહેતા હો, તો આ સમાચાર તમારા માટે મહત્ત્વના છે. દેશભરના ATM નેટવર્કમાં રોકડની ભારે અછત વર્તાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં ATM સેવા ખોરવાઈ જવાની ભીતિ છે. એક તરફ વધતો ડિજિટલ બિઝનેસ અને બીજી તરફ બેંકો તરફથી ઓછી મળતી કેશ વચ્ચે ATM ઉદ્યોગ અત્યારે અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે.
માર્ચ અને એપ્રિલમાં રોકડની ભારે અછત
કન્ફેડરેશન ઓફ ATM ઈન્ડસ્ટ્રીઝ (CATMi) દ્વારા ઇન્ડિયન બેંક્સ એસોસિયેશનને મોકલેલી વિગતો અનુસાર દેશભરના ATMમાં ભરવા માટે પૂરતી રોકડ નથી. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. ચાલો કેટલાક આંકડા પર નજર કરીએ.
– કુલ જરૂરિયાત: માર્ચ અને એપ્રિલમાં દેશના તમામ ATM માટે કુલ ₹94,000 કરોડની જરૂરિયાત હતી.
– માર્ચમાં ઉપલબ્ધતા: જરૂરિયાત સામે માર્ચ મહિનામાં માત્ર ₹61,000 કરોડ જ મળ્યા હતા.
– એપ્રિલમાં ઉપલબ્ધતા: એપ્રિલ મહિનામાં આ આંકડો હજુ ઘટીને માત્ર ₹54,000 કરોડ પર આવી ગયો હતો.
આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે માર્કેટમાં માંગ પ્રમાણે રોકડ સપ્લાય નથી.
ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારો પર વધુ અસર
CATMi એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કરન્સી ડિપાર્ટમેન્ટ મેનેજમેન્ટ અને ઈન્ડિયન બેંક એસોસિયેશનને પત્ર લખીને જણાવ્યું છે કે, ઘણી બધી બેંકો ATMમાં કેશ લોડ કરવાની સમસ્યાનો સામનો કરી રહી છે.ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે. આ એવા વિસ્તારો છે જ્યાં લોકો હજુ પણ સીધા રોકડ ઉપાડ પર વધુ નિર્ભર છે. ત્યાં ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ શહેરો જેટલું વ્યાપક નથી, જેથી રોકડની અછત સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધારી શકે છે.
ATM ઉદ્યોગ પર ચારેબાજુથી દબાણ
માત્ર રોકડની અછત જ નહીં, પરંતુ ATM ઓપરેટ કરતી કંપનીઓ અત્યારે અનેક પ્રકારના આર્થિક બોજ હેઠળ દબાયેલી છે.
– અપૂરતી ઇન્ટરચેન્જ ફી: જ્યારે કોઈ ગ્રાહક બીજી બેંકના ATM નો ઉપયોગ કરે છે, ત્યારે ઓપરેટરને ₹19 ફી મળે છે. ઉદ્યોગના મતે, વધતા જતા ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા માટે આ ફી ઘણી ઓછી છે.
– ખર્ચમાં વધારો: ઇંધણ(તેલ)ના વધતા ભાવ, કર્મચારીઓના પગારમાં સુધારો અને સુરક્ષાને લગતા નવા સરકારી કાયદાઓને કારણે ATM મેઇન્ટેનન્સનો ખર્ચ સતત વધી રહ્યો છે.
– વ્યવહાર ફીમાં વધારો: મફત વ્યવહારની મર્યાદા પૂરી થયા પછી લાગતી ફી પણ ₹21 થી વધારીને ₹23 કરવામાં આવી છે, જેની અસર પણ ગ્રાહકોના વલણ પર પડી છે.
ચલણ વધ્યું પણ ATM ટ્રાન્ઝેક્શન ઘટ્યા!
RBI ના માસિક ડેટા અનુસાર, બજારમાં કરન્સી ઇન સર્ક્યુલેશન (ચલણનું પરિભ્રમણ) વધ્યું હોવા છતાં ATM માંથી પૈસા ઉપાડવાનું પ્રમાણ ઘટ્યું છે.

ATM વ્યવહારો ઘટવાનું મુખ્ય કારણ શું?
ગ્રાહકો હવે ATM સુધી કેમ નથી જઈ રહ્યા? તેના બે મુખ્ય કારણો છે.
1. ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ: UPI, નેટ બેંકિંગ અને મોબાઇલ વૉલેટના કારણે હવે શાકભાજીની લારીથી લઈને મોટા મોલ સુધી રોકડની જરૂરિયાત વિના કામ થઈ જાય છે. લોકો કેશ રાખવાનું ટાળી રહ્યા છે.
2. ચાર્જીસનો ડર: મફત ટ્રાન્ઝેક્શન લિમિટ પૂરી થયા બાદ લાગતો ₹23 નો ચાર્જ ગ્રાહકોને વારંવાર ATM એ જતાં રોકે છે.
ATM પર ‘No Cash’ના બોર્ડ લાગશે?
ATM ઉદ્યોગ અત્યારે એક ટર્નિંગ પોઈન્ટ પર છે. જો બેંકો અને આરબીઆઈ દ્વારા રોકડની અછતને તાત્કાલિક દૂર નહીં કરાય અને ઓપરેટર્સના ખર્ચના પ્રશ્નો નહીં ઉકેલાય, તો આગામી દિવસોમાં ‘No Cash’ ના બોર્ડ વધુ જોવા મળી શકે છે. જોકે, આ જ સ્થિતિ દેશને વધુ ને વધુ ડિજિટલ પેમેન્ટ તરફ પણ ધકેલી રહી છે.










