![]()
– મોદી સરકારને 12 વર્ષ, એનડીએમાં ઉજવણી શરૂ
– મારા માટે જનતા જનાર્દન જ ઇશ્વરનું રુપ, સત્તામાં 12 વર્ષ એ સામૂહિક યજ્ઞા, તમામનો સાથ સહકાર મળ્યો : પીએમ
નવી દિલ્હી : એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે, તેઓ ૧૨ વર્ષ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સત્તા પર રહેનારા દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા છે, જેને પગલે ભાજપ દ્વારા દેશભરમાં તેની ઉજવણીઓ ચાલી રહી છે. એવામાં પીએમ મોદીએ કહ્યું હતું કે આ સફરમાં સાથ આપનારા તમામનો આભાર માનું છું, ભારત માતાની આટલા વર્ષો સુધી સેવા કરવાની આ તક ઇશ્વરની કૃપાથી જ મળી શકે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા ના થઇ શકે, આ એક સામૂહિક યજ્ઞા છે. મારા માટે જનતા જનાર્દન જ ઇશ્વરનું રુપ છે.
દિલ્હીમાં ભારત મંડપમમાં ભાજપ અને તેના સાથી પક્ષો દ્વારા કેન્દ્રમાં એનડીએના ૧૨ વર્ષના શાસનની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, સાથી પક્ષોના નેતાઓ જોડાયા હતા. જ્યારે કેન્દ્રની એનડીએ સરકારે ૧૨ વર્ષના શાસનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધીઓની યાદી જાહેર કરીને વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા. કેન્દ્રએ એક બૂકલેટ જાહેર કરી હતી જેમાં ટેક્સ સુધારા જેમ કે જીએસટી, રામ રાજ્યનું સરકારનું વિઝન, ડિજિટલ ઇન્ડિયા વગેરેનો સમાવેશ કરાયો છે.
બૂકલેટમાં કેન્દ્રએ દાવો કર્યો છે કે એક બીજી મોબાઇલ ડેટા પાછળનો ખર્ચ ૯૭ ટકા ઘટાડી દેવામાં આવ્યો જેને કારણે લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા. ૨૦૧૪માં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ હતી જે ૨૦૨૫માં ૧૦૩ કરોડે પહોંચી ગઇ. જ્યારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન આપવા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
કેબિનેટમાં સામેલ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. આ બેઠકનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂદ કર્યું હતું. કેબિનેટ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં મોદીના વખાણ કરાયા હતા જેમાં દાવો કરાયો હતો કે મોદીના નેતૃત્વમાં ભારતમાં ૨૫ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા. નોંધનીય છે કે ૨૬મી મે ૨૦૧૪ના મોદીએ પીએમ તરીકે ચાર્જ સંભાળ્યો હતો, જે બાદ ૩૦મી મે ૨૦૧૯ના તેમણે ફરી આ પદ સંભાળ્યું, ૯ જૂન ૨૦૨૪માં તેમણે ત્રીજી વખત પીએમ પદ પર શપથ લીધા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે જે ડોક્યુમેન્ટ્સ જાહેર કરાયા હતા તેમાં જળ જીવન મિશન અંગે પણ વાત કરવામાં આવી હતી, સરકારે જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારમાં આશરે ૧૬ કરોડ પરિવારને નળથી પાણી પહોંચતુ કરવામાં આવે છે. સરકારે દાવો કર્યો હતો કે છેલ્લા ૧૨ વર્ષમાં ઇનકમ ટેક્સનો બોજ ઓછો થયો તે રામરાજ્યના વિઝનને દર્શાવે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અન્ય દેશોના વડાઓ દ્વારા પણ શુભેચ્છા પાઠવાઇ હતી, યુરોપિયન કમિશન પ્રમુખ ઉરસુલા વોન ડેર લેયેન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, મલેશિયા, ભુટાન, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા વગેરે દેશના વડાઓએ મોદીને શુભેચ્છા પાઠવી હતી.










