![]()
Jamnagar : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ યોજાઈ હતી. પ્રથમ દિવસે એકપણ કોપી કેસ નોંધાયો ન હોવાનું જિલ્લા શિક્ષણ તંત્રે જણાવ્યું છે.
ધોરણ 10ની પૂરક પરીક્ષામાં આજે ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ 2,094 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1,653 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 441 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં આજે આંકડા શાસ્ત્ર વિષયની પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા માટે કુલ 390 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 300 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 90 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી અને બોર્ડની માર્ગદર્શિકા મુજબ ચુસ્ત દેખરેખ હેઠળ પરીક્ષાઓ લેવામાં આવી હતી. પ્રથમ દિવસના પ્રથમ સત્રમાં ધોરણ 10 અને 12ની પરીક્ષામાં એકપણ કોપી કેસ નોંધાયો ન હોવાથી પરીક્ષાનો પ્રારંભ શાંતિપૂર્ણ અને સુચારું રીતે થયો હોવાનું જાણવા મળ્યું છે.










