India-Pakistan Conflict: પહલગામ હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ એર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, ત્યારબાદ પાકિસ્તાન દ્વારા ભારતની વિવિધ સરહદો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, ભારતીય સેના દ્વારા આ તમામ હુમલાનો પણ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. ભારત-પાકિસ્તાનના ઘર્ષણના કારણે દેશના સરહદ વિસ્તારો પર તણાવ જોવા મળી રહ્યો છે. એવામાં પંજાબમાં એરફોર્સ સ્ટેશનથી સંભવિત ડ્રોન હુમલાની ચેતવણી મળી છે. ચંડીગઢમાં એલર્ટ સાઇરન વગાડવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને ઘરની અંદર રહેવા અને બાલ્કનીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. મોહાલીમાં પણ લોકો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એરફોર્સની ચેતવણી બાદ સાઇરન વાગ્યું હતું. જણાવી દઈએ કે, મોડી રાત્રે પાકિસ્તાનના હુમલા દરમિયાન ચંડીગઢમાં બ્લેકઆઉટ રહ્યું હતું.
આ પણ વાંચોઃ પશ્ચિમ સરહદે રાતભર પાકિસ્તાની સૈન્યએ કર્યા હુમલાના નિષ્ફળ પ્રયાસ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પંજાબમાં શાળા-કોલેજો બંધ
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પંજાબની તમામ શૈક્ષણિક સંસ્થાને બંધ કરવા અને પરીક્ષા રદ કરવાનો આદેશ કરાયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બૈંસે કહ્યું કે, ‘હાલની સ્થિતિ જોતા આદેશ કરવામાં આવ્યો છે કે, આખા પંજાબમાં તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટી- સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ- આવનારા ત્રણ દિવસ સુધી સંપૂર્ણ બંધ રહેશે.’
આ પણ વાંચોઃ Fact Check: ગુજરાતના હજીરા પોર્ટ પર કોઇ હુમલો થયો નથી, સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયો ખોટો
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે સાવચેતીના ભાગ રૂપે જમ્મુ-કાશ્મીરમાં પણ તમામ શાળા, કોલેજ અને યુનિવર્સિટીને 9 અને 10 મેના દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.